FIFA વર્લ્ડકપઃ રશિયાએ સાઉદી અરબને 5-0થી હરાવ્યું, 88 વર્ષમાં ઉદઘાટન મુકાબલામાં બીજી સૌથી મોટી જીત
મોસ્કોઃ રશિયામાં ગુરુવારે 21માં ફૂટબૉલ વર્લ્ડકપની શરૂઆત થઇ, લુઇઝનિકી સ્ટેડિયમમાં ભારતીય સમયાનુસાર રાત્રે 8 8 વાગે ઉદઘાટન સમારોહ શરૂ થયો. ત્યારબાદ પહેલી મેચ રશિયા અને સાઉદી અરબ વચ્ચે રમાઇ. ગ્રુપ એમાં રશિયાએ સાઉદી અરબને 5-0થી હરાવીને શાનદાર શરૂઆત કરી, આ જીતની સાથે જ રશિયાના 3 પૉઇન્ટ થઇ ગયા. વર્લ્ડકપના 88 વર્ષના ઇતિહાસમાં ઉદઘાટન મુકાબલાઓની આ બીજી સૌથી મોટી જીત છે. આ અગાઉ 1934માં ઇટાલીએ અમેરિકાને 7-1 ના અંતરથી હરાવ્યું હતું.
રશિયાના સૌથી મોટા લુઝનિકી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની સાથે જ ફિફા વર્લ્ડ કપ-2018 શરૂ થઈ ગયો. 80,000 દર્શકો સામે 500 પરફોર્મર, જિમ્નાસ્ટ, ટ્રમ્પોલિન આર્ટિસ્ટે પ્રસ્તુતિ આપી હતી. બ્રાઝિલના ભૂતપૂર્વ કેપ્ટન રોનાલ્ડોએ મેદાન પર એક બાળક સાથે પ્રવેશ કરીને સમારોહનું ઉદઘાટન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વિશ્વકપ ઇતિહાસમાં આજ સુધી કોઇ યજમાન દેશ ઉદ્ઘાટન (ઓપનિંગ) મેચ હાર્યો નથી. સોવિયેત સંઘનો હિસ્સો રહેવા દરમિયાન રશિયાએ 1970માં મેક્સિકોમાં થયેલા વિશ્વરપમાં ઓપનિંગ મેચ રમી હતી. આ મેચ ડ્રૉ થઇ હતી.
રોનાલ્ડો સમારોહ દરમિયાન હાજર બાળકોને મળ્યો અને ટૂર્નામેન્ટના માસ્કોટ જાબિવાકા સાથે મળીને થોડો સમય ફૂટબોલ રમ્યો. ઓપનિંગ સેરેમનીમાં આર્મેનિયા, આઝરબૈજાન, બેલારૂસ, બોલીવિયા વગેરે દેશોએ પોતાનાં પ્રતિનિધિ મોકલ્યા હતા. સેરેમનીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ફિફા અધ્યક્ષ ગિયાની ઈન્ફેનટિનો અને આર્જેન્ટિનાના ફૂટબોલર ડિએગો મેરાડોના હાજર રહ્યા હતા.
વર્લ્ડકપમાં 32 ટીમો ભાગ લઇ રહી છે. તેમાં 4-4ના 8 ગ્રુપ્સમાં ટીમો વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી 2-2 ટીમો નોકઆઉટના ફેઝમાં પહોંચશે. આઇસલેન્ડ અને પનામા વિશ્વકપમાં પોતાનું ડેબ્યુ કરી રહી છે. પહેલીવાર વિશ્વકપ વીડિયો રેફરલ પ્રણાલીને અપનાવવામાં આવી રહી છે.
બ્રિટિશ પોપ સ્ટાર રોબી વિલિયમ્સ અને રશિયાની સિંગર એડ્રડા ગારિફુલિનાએ પરફોર્મન્સ આપ્યું હતું. 32 યુગલે વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલા 32 દેશના ડ્રેસમાં તેમના ઝંડા સાથે માર્ચપાસ્ટ કર્યું. મેચનો આધિકારિક બોલ લઈને મોડલ વિક્ટોરિયા લોપરેયા મેદાનમાં આવી હતી.