FIFA વર્લ્ડ કપ 2022: કતારમાં રમાઇ રહેલા FIFA વર્લ્ડ કપ-2022 માં બુધવારે (30 નવેમ્બર) મોડી રાત્રે ગ્રુપ-Cમાં બે મોટી મેચ રમાઈ હતી. જેમાં લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપમાં આર્જેન્ટિનાની ટીમે રોબર્ટ લેવાનડૉસ્કીની ટીમ પોલેન્ડને 2-0થી હાર આપી હતી. આ જીત સાથે આર્જેન્ટિનાએ પોતાના ગ્રુપમાં ટોપ પર રહીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. હવે સુપર-16માં આર્જેન્ટીનાનો મુકાબલો ગ્રુપ-ડીની બીજા નંબરની ટીમ ઓસ્ટ્રેલિયા સાથે થશે. જ્યારે બીજી મેચમાં મેક્સિકોની ટીમે સાઉદી અરેબિયાને 2-1થી હરાવ્યું હતું.






પોલેન્ડનો સામનો ફ્રાન્સ સામે થશે


આ મેચ જીતીને મેક્સિકન ટીમે પોલેન્ડની બરાબરી ચોક્કસ કરી લીધી હતી, પરંતુ ગોલ તફાવતના કારણે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી શકી નહોતી. આ રીતે મેક્સિકો અને સાઉદી અરેબિયાની ટીમ ગ્રુપ-સીમાંથી બહાર થઈ ગઈ છે. પોલેન્ડ ગ્રુપમાં બીજા સ્થાને રહીને સુપર-16 માટે ક્વોલિફાય થયું હતું. જ્યાં તેનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ સાથે થશે.






મેસ્સીએ ઇતિહાસ રચ્યો, મેરાડોનાને પાછળ છોડી દીધો


પોલેન્ડ સામેની મેચમાં મેસ્સી તેના જૂના રંગમાં જોવા મળ્યો ન હતો. તે મેચમાં પેનલ્ટીને ગોલમાં ફેરવી શક્યો નહોતો. છતાં મેસ્સીની ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી હતી.આખી મેચ દરમિયાન આર્જેન્ટિનાએ પોલેન્ડ પર દબાણ બનાવી રાખ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે આર્જેન્ટિનાની ટીમ પોલેન્ડની ગોલ પોસ્ટની નજીક રમી રહી છે.


આ મેચમાં ઉતરવાની સાથે જ મેસ્સીએ ઈતિહાસ રચી દીધો છે. તે આર્જેન્ટિના માટે વર્લ્ડ કપમાં 22 મેચ રમનાર ખેલાડી બની ગયો છે. આ મામલામાં તેણે દિગ્ગજ મેરાડોનાને પાછળ છોડી દીધો છે. આર્જેન્ટિના અને પોલેન્ડ વચ્ચેની મેચમાં પ્રથમ હાફમાં એક પણ ગોલ થઇ શક્યો નહોતો. પરંતુ બીજા હાફની શરૂઆત સાથે આર્જેન્ટિનાની ટીમે પોતાની રમતને વધુ આક્રમક બનાવી દીધી હતી. એલેક્સિસ મેક એલિસ્ટરે 46મી મિનિટે ટીમ માટે પહેલો ગોલ કર્યો હતો. એટલે કે બીજા હાફની શરૂઆત સાથે જ પહેલો ગોલ થયો હતો.


આ પછી જુલિયન અલ્વારેઝે આર્જેન્ટિના માટે બીજો ગોલ કરીને ટીમને મજબૂત લીડ અપાવી હતી. આ ગોલ 67મી મિનિટે થયો હતો. આ મેચમાં પોલેન્ડની ટીમ સંપૂર્ણ રીતે ડિફેન્ડિંગ પોઝીશનમાં જોવા મળી હતી, પરંતુ મેચ બચાવી શકી ન હતી.


મેક્સિકો મેચ જીત્યા બાદ પણ ક્વોલિફાય કરી શક્યું નથી


આ મેચમાં મેક્સિકોની ટીમે શાનદાર પ્રદર્શન કરતા સાઉદી અરેબિયાને કારમી હાર આપી હતી. મેક્સિકોએ આ મેચ 2-1થી જીતી લીધી હતી. મેચ એટલી રોમાંચક હતી કે પ્રથમ હાફમાં એક પણ ગોલ થઈ શક્યો નહોતો. પરંતુ બીજા હાફની શરૂઆત સાથે જ મેક્સિકન ટીમ આક્રમક બની હતી. મેક્સિકો માટે હેનરી માર્ટિને 47મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. જ્યારે લુઈસ ચાવેઝે 52મી મિનિટે બીજો ગોલ કરીને પોતાની ટીમને મજબૂત બનાવી અને આ સાથે મેક્સિકોએ મેચ જીતી લીધી. પરંતુ નિરાશાજનક વાત એ છે કે મેક્સિકોની ટીમ પ્રી-ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય કરી શકી નથી. સાઉદી ટીમ માટે સલેમ અલ-દોસારીએ ગોલ કર્યો હતો.