FIFA World Cup 2022:  FIFA World Cup 2022 ની તેમની છેલ્લી લીગ તબક્કાની મેચમાં ડેન્માર્ક ઓસ્ટ્રેલિયા સામે 1-0 થી હારી ગયું છે. ડેન્માર્કની હાર સાથે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપના આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જ્યારે ડેન્માર્કની સફર અહીં જ સમાપ્ત થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના વિજયની અસર ટ્યુનિશિયા પર પણ પડી છે, જેણે ફ્રાંસને હરાવવા છતાં આગામી રાઉન્ડમાં સ્થાન નથી મળ્યું. ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ ડીમાંથી છ પોઈન્ટ સાથે આગામી રાઉન્ડમાં જગ્યા બનાવી લીધું છે.






મેચની પ્રથમ 10 મિનિટમાં કોઈ ટીમ ગોલ કરી શકી નહોતી. પરંતુ 11મી મિનિટે ડેન્માર્કે પ્રથમ તક બનાવી હતી. ઓસ્ટ્રેલિયાએ માર્ટિન બ્રેથવેટ દ્વારા આસિસ્ટેડ કરેલો શોટ બચાવ્યો હતો અને ત્યારબાદ 22મી મિનિટમાં ડેન્માર્કે ઓસ્ટ્રેલિયાના હુમલાને નિષ્ફળ બનાવી દીધો હતો. બંને ટીમો તરફથી સતત આક્રમક રમત બતાવવામાં આવી હતી. પરંતુ કોઈ ગોલ મેળવી શક્યું ન હતું. ઓસ્ટ્રેલિયાએ વધુ આક્રમકતા દર્શાવી હતી પરંતુ ડેન્માર્કના ડિફેન્સે તેમને ઘણી તક આપી ન હતી.


ઓસ્ટ્રેલિયાને બીજા હાફમાં નિર્ણાયક ગોલ મળ્યો હતો


બીજા હાફની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયાએ સતત આક્રમણ કર્યું અને તેનો ફાયદો પણ તેમને મળ્યો હતો. 60મી મિનિટમાં મેથ્યુ લેકીએ રિલે મેકગ્રીની મદદ લીધા બાદ તેને ગોલમાં ફેરવી ઓસ્ટ્રેલિયાને 1-0થી આગળ કર્યું હતું. આ પછી ડેન્માર્કે સતત બે શાનદાર હુમલા કર્યા, પરંતુ તેઓ ગોલ કરવામાં સફળ  થઈ શક્યા નહીં. 77મી, 82મી અને 88મી મિનિટમાં ડેન્માર્ક તરફથી પણ આક્રમણ જોવા મળ્યું હતું, પરંતુ તેમાં પણ તેઓ સ્કોર બરાબર કરવામાં સફળ થઈ શક્યા ન હતા.


કતારમાં રમાઇ રહેલા FIFA વર્લ્ડ કપ-2022 માં બુધવારે (30 નવેમ્બર) મોડી રાત્રે ગ્રુપ-Cમાં બે મોટી મેચ રમાઈ હતી. જેમાં લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપમાં આર્જેન્ટિનાની ટીમે રોબર્ટ લેવાનડૉસ્કીની ટીમ પોલેન્ડને 2-0થી હાર આપી હતી. આ જીત સાથે આર્જેન્ટિનાએ પોતાના ગ્રુપમાં ટોપ પર રહીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. હવે સુપર-16માં આર્જેન્ટીનાનો મુકાબલો ગ્રુપ-ડીની બીજા નંબરની ટીમ ઓસ્ટ્રેલિયા સાથે થશે. જ્યારે બીજી મેચમાં મેક્સિકોની ટીમે સાઉદી અરેબિયાને 2-1થી હરાવ્યું હતું