FIFA World Cup Argentina vs France: કતાર દ્વારા આયોજિત ફિફા વર્લ્ડકપ 2022 ની આજે ફાઇનલ મેચ રમાશે. આ ટાઇટલ મેચ રવિવારે (18 ડિસેમ્બર) રમાશે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સનો મુકાબલો લિયોનેલ મેસ્સીની ટીમ આર્જેન્ટિના સામે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યાથી રમાશે. ફાઇનલ મુકાબલા પહેલા ક્લોસિંગ સેરેમની પણ યોજાશે. જેમાં ભારતીય અભિનેત્રી તથા ડાંસર નોરા ફતેહી પણ પરફોર્મ કરશે.
અડધો કલાક ચાલશે સમાપન સમારોહ
ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચેની મેચ પહેલા સમાપન સમારોહ યોજાશે. આ સમાપન સમારોહ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યે શરૂ થશે. તે લગભગ અડધો કલાક ચાલશે. 18 ડિસેમ્બરે કતારનો નેશનલ ડે પણ છે, આ સ્થિતિમાં અહીં શાનદાર આતશબાજી પણ થઈ શકે છે.
89 હજાર દર્શકો રહેશે હાજર
સમાપન સમારોહ અને ફાઈનલ મુકાબલાનું આયોજન લુસૈલ સ્ટેડિયમમાં થશે. આ સ્ટેડિયમા કતારનું સૌથી મોટું સ્ટેડિયમ છે, જેની ક્ષમતા લગભગ 89 હજાર દર્શકોની છે.
મેસ્સી દેશવાસીઓને આપવા માંગશે મોટી ભેટ
35 વર્ષીય લિયોનેલ મેસ્સી માટે આ છેલ્લો વર્લ્ડકપ હોઈ શકે છે. તેણે પોતે પણ આ હકીકત સ્વીકારી છે. આવી સ્થિતિમાં આ અનુભવી ફૂટબોલર તેની છેલ્લી ટૂર્નામેન્ટમાં ખિતાબ જીતીને દેશવાસીઓ અને ચાહકોને મોટી ભેટ આપવા માંગે છે.
મેસ્સી ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ છે
આ વર્લ્ડકપમાં અત્યાર સુધી લિયોનેલ મેસ્સી ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. જોકે મેસ્સી અને ફ્રાન્સના કિલિયન એમ્બાપેએ સૌથી વધુ 5-5 ગોલ કર્યા છે. પરંતુ અસિસ્ટ મામલે મેસ્સીનો હાથ ઉપર હોય તેમ જણાય છે. જો ફાઈનલ પછી ગોલ ટાઈ થાય છે, તો આસિસ્ટ્સને પણ ધ્યાનમાં લેવામાં આવશે. આ ક્ષણે મેસ્સીએ ત્રણ ગોલમાં મદદ કરી છે જ્યારે એમ્બાપેએ માત્ર બે જ ગોલમાં મદદ કરી છે. આવી સ્થિતિમાં મેસ્સીનું પલડું થોડું ભારે લાગે છે.
આર્જેન્ટિના-ફ્રાસે અત્યાર સુધી 2-2 ટાઇટલ જીત્યા છે
વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી ફ્રાન્સ અને આર્જેન્ટિનાએ 2-2 વખત ટાઈટલ જીત્યું છે. ફ્રાન્સની ટીમ 1998 અને 2018માં ચેમ્પિયન બની હતી. જ્યારે આર્જેન્ટિનાએ 1978 અને 1986નો ખિતાબ જીત્યો હતો. આ સિવાય આર્જેન્ટિના ત્રણ વખત (1930, 1990, 2014) રનર અપ પણ રહી છે. જ્યારે ફ્રાન્સ 2006માં રનર અપ હતું. આર્જેન્ટિના માટે આ છઠ્ઠી અને ફ્રાન્સ માટે ચોથી ફાઈનલ હશે.
જો આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની અત્યાર સુધીની મેચ જોવામાં આવે તો આમાં મેસ્સીની ટીમનો જ હાથ ઉપર હોય તેવું લાગે છે. ફ્રાન્સ અને આર્જેન્ટિના બંને ટીમો અત્યાર સુધી 12 મેચમાં આમને-સામને આવી ચુકી છે. આમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિનાએ 6 વખત જીત મેળવી છે જ્યારે ફ્રાન્સ માત્ર 3 મેચ જીતી શક્યું છે. બાકીની ત્રણ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે.