આ દિગ્ગજ ક્રિકેટરે કર્યો ઘટસ્ફોટઃ સ્કિન કેન્સર સામે લડી રહ્યો છું
abpasmita.in | 19 Jul 2019 02:03 PM (IST)
ઈયાન ચેપલે 1964થી 1980 સુધી ઓસ્ટ્રેલિયા માટે 75 ટેસ્ટ મેચ રમી છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઈયાન ચેપલ સ્કિન કેન્સરનો સામનો કરી રહ્યા છે. ગુરુવારે 75 વર્ષના પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડીએ ખુદ આ બીમારીની જાણકારી આપી. તેમણે કહ્યું કે, તે વિતેલા 5 વર્ષથી સ્કિન કેન્સરની સામે જંગ લડી રહ્યા છે. જોકે તેમણે એશેજ સીરીઝ પહેલા ફિટ થવાની આશા વ્યક્ત કરી છે. બની શકે કે ઓગસ્ટમાં શરૂ થવા જઈ રહેલ એશેજ સીરીઝમાં તે કોમેન્ટ્રી કરતાં જોવા મળે. ઈયાન ચેપલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “મને સ્કીન કેન્સર છે. છેલ્લા પાંચ વર્ષથી સારવાર ચાલી રહી છે. શરૂઆતમાં આ વિશે મેં લોકોને જાણ નહોતી થવા દીધી કારણકે રેડિયોથેરપીની જરૂર પડશે કે નહિ તે વિશે મને ખાતરી નહોતી. અને રેડિયોથેરપી કેટલા દિવસ ચાલશે તે પણ નહોતી ખબર. સારવાર પછી લાગ્યું આ એટલું ખતરનાક નથી જેટલું મને શરૂઆતમાં લાગતું હતું. થાક લાગે છે અને સ્કીનમાં ખંજવાળ રહ્યા કરે છે પરંતુ બાકી બધું બરાબર છે.” ઓસ્ટ્રેલિયા તરફથી ૧૯૬૪ થી લઈને ૧૯૮૦ દરમિયાન ૭૫ ટેસ્ટમાં ૫,૩૪૫ રન ફટકારી ચૂકેલા ઈયાન ચેપલે કહ્યું હતુ કે, સ્કિન કેન્સર સામેના સતત સંઘર્ષ દરમિયાન હું મૃત્યુ સુધીની તૈયારી કરી ચૂક્યો હતો. મને શરીરમાં એકથી વધુ જગ્યાએ સ્કિન કેન્સરની અસર હતી. જેને કાપીને, બાળીને અને અન્ય જે રીતે તેને દૂર કરવામાં આવી શકે તે તબીબોએ કર્યું હતુ. તમે જ્યારે ૭૦ નજીક પહોંચો છે, ત્યારે વિચારવાનું શરુ કરી દો છો કે, ક્રાઈસ્ટ, હવે અંત નજીક છે. પણ મેં મારી માતા જેનની અંતિમ પળો જોઈ હતી અને ત્યારે મને અહેસાસ થયો હતો કે, મૃત્યુ એવું છે કે, જેની સાથે તમારે કામ પાર પાડવાનું છે. જ્યારે રિચી (બૅનો) અને ટોની (ગ્રેગ)એ વિદાય લીધી...ત્યારે ફરી એ વાત યાદ આવી કેે તેવું બધાની સાથે થવાનું છે. હાલમાં ઈયાન ચેપલનો રિપોર્ટ સારો આવ્યો છે. તેઓ 1 ઓગસ્ટથી એશિઝની પહેલી મેચમાં કોમેન્ટ્રી કરવા માટે તૈયાર છે. ઈયાન ચેપલે કહ્યું, “70 વર્ષની ઉંમરે પહોંચો ત્યારે એમ પણ શરીર નબળું પડવા લાગે છે. છેલ્લા થોડા વર્ષોથી હું આળસુ થઈ ગયો છું. આ ઉંમરે તમને લાગવા માંડે છે કે અંત નજીક છે. મેં મારી માતાનું મોત જોયું તો મને લાગ્યું કે મારે આનો સામનો કરવો પડશે.” જણાવી દઈએ કે, ઈયાન ચેપલે 1964થી 1980 સુધી ઓસ્ટ્રેલિયા માટે 75 ટેસ્ટ મેચ રમી છે. ચેપલ બંધુઓમાં ઈયાન સૌથી મોટા છે. ઈયાનના નાના ભાઈ ગ્રેગ ચેપલ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રહી ચૂક્યા છે. ચેપલ બંધુઓમાં ત્રીજા ટ્રેવર છે. તેમનું નામ કાને પડે એટલે અંડરઆર્મ બોલિંગ યાદ આવે છે.