હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું, કપિલ દેવને આજે બપોર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તેઓ ખૂબ સારી સ્થિતિમાં છે અને પોતાના દૈનિક ગતિવિધિ શરૂ કરી શકે છે. તેઓ ડૉ અતુલ માથુર સાથે સંપર્કમાં રહેશે.
એન્જિયોપ્લાસ્ટી બ્લોક થયેલી નળીને ખોલવાની પ્રક્રિયા છે, જેનાથી હ્રદયમાં સામાન્ય લોહીનો સંચાર થઈ શકે.
કપિલ દેવના પૂર્વ સાથી ચેતન શર્માએ કપિલ દેવ અને ડૉ માથુરની તસવીર ટ્વિટ કરી છે. તેમણે લખ્યું, ડૉ અતુલ માથુરે કપિલ પાજીની એન્જિયોપ્લાસ્ટી કરી. તેઓ હવે સ્વસ્થ છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તસવીર હોસ્પિટલમાંથી રજા આપી તે સમયની છે.
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ 1983 વિશ્વ કપ વિજેતા અને મહાન ઓલરાઉન્ડર ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને સચિન તેંડુલકર સહિત અન્ય ખેલાડીઓ સામેલ હતા.
કપિલ દેવે પોતાના આંતરરાષ્ટ્રી કારકિર્દીમાં 131 ટેસ્ટ અને 225 વનડે મેચ રમી હતી. તેના નામે ટેસ્ટમાં 5248 રન અને 434 વિકેટ છે. વનડે ઇન્ટરનેશનલ કારકિર્દીમાં તેણે 3783 રન બનાવવાની સાથે 253 વિકેટ લીધી હતી. તેમણે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ વેસ્ટ ઇન્ડિઝની સામે ફરીદાબાદમાં વર્ષ 1994માં રમી હતી.