નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ગુરૂવારે હાર્દિક પંડ્યાએ 46 રનની આક્રમક ઈનિંગ રમતા ભારતનો સ્કોર 268 સુધી પહોંચાડ્યો હતો. તેણે મહેન્દ્ર સિંહ ધોનીની સાથે મળીને 70 રનની ભાગીદારી કરી હતી. તેણે બોલિંગમાં એક વિકેટ પણ ઝડપી હતી. કેરેબિયન ટીમ વિરુદ્ધ સન્માનજનક ઈનિંગ રમ્યા છતાં હાર્દિક પંડ્યાના પ્રદર્શનમાં પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકને કેટલિક ખામી જોવા મળી છે.


પાકિસ્તાનના પત્રકાર સાજ સાદિકે અબ્દુલ રઝાકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં રઝાક કહી રહ્યો છે કે તેને બે અઠવાડિયાનો સમય આપવામાં આવે, તે હાર્દિક પંડ્યાને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર અને હિટર બનાવી દેશે. રઝાકે કહ્યું કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી મેચમાં પહેલીવાર તેણે હાર્દિક પંડ્યાને રમતા જોયો. ખૂબ નજીકથી હાર્દિકને રમતા જોતા તેને પંડ્યાની બેટિંગમાં ઘણી ખામી જોવા મળી.



રઝાકે કહ્યું, જ્યારે તે હિટ કરે છે તો તેનામાં ફૂટ મૂવમેન્ટ અને પગના સ્વિંગમા, બોડી બેલેન્સમાં ઘણી ખામી જોવા મળી. જો હું તેને કોચિંગ આપી શકું, ઉદાહરણ માટે યૂએઈમાં, તો હું તેને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીમાંથી એક બનાવી શકું છું. જો બીસીસીઆઈ તેને એક શાનદાર ઓલરાઉન્ડર બનાવવા ઈચ્છે છે તો હું હંમેશા હાજર છું.