નવી દિલ્હીઃ  1992ના વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાના ખેલાડી જોંટી રોડ્સે હવામાં છલાંગ લગાવીને પાકિસ્તાનના ઇન્ઝમામ-ઉલ-હકને રન આઉટ કર્યો ત્યારે દુનિયા હેરાન રહી ગઈ હતી. આ ખેલાડીએ ન માત્ર બેટિંગથી પણ પોતાની ફિલ્ડિંગથી ક્રિકેટ વિશ્વમાં એક અલગ ઓળખ બનાવી હતી. જેના કારણે તેને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફિલ્ડર માનવામાં આવે છે. આઈસીસી દ્વારા રજૂ કરવામાં આવેલા વીડિયોમાં રોડ્સે પાંચ શ્રેષ્ઠ ફિલ્ડરનો ઉલ્લેખ કર્યો છે.




રોડ્સે કહ્યું કે, મારી દ્રષ્ટિએ સુરેશ રૈના, એબી ડિ વિલિયર્સ, હર્શલ ગિબ્સ, એન્ડ્રૂ સાયમંડ્સ અને પોલ કોલિંગવૂડ શ્રેષ્ઠ પાંચ ફિલ્ડર છે. જેમાં રૈના નંબર એક અને કોલિંગવૂડ નંબર પાંચ ફિલ્ડર છે. રૈના સિવાય તમામ ખેલાડીઓ હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે.  રૈનાએ ટ્વિટર પર જોંટી રોડ્સનો આભાર માન્યો છે. તેણે કહ્યું કે, આટલા વર્ષોમાં તમારા લિસ્ટમાં નંબર વનનું સ્થાન બનાવી રાખીને હું ઘણો ખુશ છું. તમે ફિલ્ડિંગમાં હંમેશા સર્વોચ્ચ સ્તર બનાવી રાખવા માટે મને પ્રેરિત કર્યો છે.



તેણે કહ્યું કે, જ્યારથી રૈનાએ રમવાનું શરૂ કર્યું છે ત્યારથી હું તેનો મોટો પ્રશંસક રહ્યો છું. રૈના દરેક જગ્યાએ સારી ફિલ્ડિંગ કરે છે. તે સ્લિપમાં અકલ્પનીય કેચ પકડે છે અને સર્કલમાં તથા આઉટફિલ્ડમાં વિચાર્યા વગર છલાંગ લગાવે છે. 32 વર્ષીય રૈના અંતિમ વન ડે 17, જુલાઈ 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે લીડ્સમાં રમ્યો હતો. 226 વન ડેમાં તે 102 કેચ પકડી ચુક્યો છે. વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત તરફથી સૌથી વધારે કેચ લેનારા ખેલાડીઓના લિસ્ટમાં તે પાંચમાં નંબર પર છે.