નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના નવા મુખ્ય કોચની શોધખોલ ચાલુ છે. જોકે ટીમ ઇન્ડિયાના હાલના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ આગામી વિન્ડિઝ પ્રવાસ સુધી વધારવામાં આવ્યો છે. પરંતુ બીસીસીઆઈએ તમામ કોચિંગ પદો માટે અરજી મગાવી છે. અહેવાલ અનુસાર અનેક દિગ્ગજ ક્રિકેટરો ભારતીય ટીમના કોચ બનવા માગે છે. આ યાદીમાં શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધનેનું નામ પણ જોડાયું છે. મીડિયા અનુસાર જયવર્ધને પણ આ પદ માટે અરજી કરવા માગે છે.


મહેલા જયવર્ધને ટીમ ઇન્ડિયાનાં કૉચ પદ માટે એકદમ ફિટ બેસે છે. જો કે અત્યારનાં મુખ્ય કૉચ અને સપોર્ટ સ્ટાફને સીધી એન્ટ્રી મળવાની પણ સંભાવના છે, પરંતુ ક્રિકેટ એડવાઇઝરી કમિટીનાં હેડ કપિલ દેવ જ અંતિમ નિર્ણય કરશે કે ટીમ ઇન્ડિયાનો કોચ કોણ હશે.

ઘણા પૂર્વ ક્રિકેટર અને કૉચ આ જૉબ માટે તૈયાર છે. આવામાં મહેલા જયવર્ધને પણ પોતાના અનુભવનાં આધારે આ પદને મેળવી શકે છે. આ પહેલા જયવર્ધને ઇંગ્લેન્ડની ટીમ માટે ઘણી ટી-20 મેચોમાં કૉચ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સને 3 સીઝનમાં બેવાર ચેમ્પિયન બનાવી ચુક્યા છે.

મહેલા જયવર્ધને ઉપરાંત ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ ગૈરી કર્સ્ટન અને ટોમ મૂડીએ પણ અરજી કરી છે. જો મહેલા જયવર્ધનેને ટીમ ઇન્ડિયાનો કૉચ પસંદ કરવામાં આવે છે, તો તેમની અને ભારતીય ટીમનાં વાઇસ કેપ્ટન રોહિત શર્માની જોડી જામશે. કારણ કે જયવર્ધને મુંબઈ ઇન્ડિયન્સનાં કૉચ છે અને રોહિત શર્મા તેનો કેપ્ટન.