ચેન્નઈઃ આઈપીએલ 2020માં કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. પરંતુ બીજી બાજુ ચેન્નઈ સુપરકિંગ્સના ખેલાડી આ બધાથી અલગ થઈને પ્રેક્ટિસ સેશનમાં લાગ્યા છે. ચેન્નઈ સુપરકિંગ્સ ટીમના પ્રેક્ટિસ સેશન  દરમિયાન એક પ્રેક્ટિસ મેચ રમાઈ જેમાં ધોનીએ પોતાની બેટિંગથી શાનદાર પરફોર્મન્સ કરતાં સેન્ચુરી ફટકારી હતી. સીએસકી ટીમે પ્રેક્ટિસ મેચનો આ વીડિયો યૂટ્યૂબ પર શેર કર્યો છે જેમાં ધોની પોતાના જૂના રંગમાં બેટિંગ કરતો જોવા મળી હ્યો છે. ધોની ઉપરાંત સુરેશ રૈનાએ પણ શાનદાર બેટિંગ કરી. બન્નેએ મળીને પીયૂશ ચાવલા અને કર્ણ શર્મા જેવા સ્પિન બોલરો વિરૂદ્ધ મોટા મોટા શોટ ફટાકરતાં વીડિયોમાં જોઈ શકાય છે. કોરોના વાયરસને કારણે આઈપીએલની શરૂઆત 15 એપ્રિલથી થશે, જે પહેલા 29 માર્ચથી શરૂ થવાની હતી.




આઈપીએલની શરુઆત પહેલા બધી ટીમોએ પોતાના કેમ્પમાં તૈયારીઓ શરુ કરી દીધી છે. ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ ચેપોક સ્ટેડિયમમાં ટ્રેનિંગ કેમ્પ શરુ કરી ચૂકી છે. કેમ્પ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રેક્ટિસ મેચ રમી હતી, જેમાં ધોનીએ આક્રમક રન બનાવ્યા હતા. મેચનું લાઇવ ટેલિકાસ્ટ થયું ન હતું પણ રિપોર્ટ પ્રમાણે ધોનીએ આ મેચમાં 91 બોલમાં 123 રન બનાવ્યા હતા. આ મેચનો વીડિયો યૂટ્યૂબ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં ધોની અને રૈના બેટિંગ કરતાં જોવા મળી રહ્યા છે.

છેલ્લી બે સિઝન ધોની માટે શાનદાર રહી છે. બંને વખતે ટીમે ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. 2018માં તેની ટીમ ચેમ્પિયન બની હતી. જ્યારે ગત વર્ષે 1 રનથી પરાજય થયો હતો. હવે આઈપીએલ-2020માં પણ ધોની બેટિંગ સાથે દમદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવવા પ્રયત્ન કરશે.