નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર બેટ્સમેન અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે ફરી એકવાર પાકિસ્તાનને આડેહાથે લીધુ છે, જોકે આ વખતે તેને સીધો હુમલો પાકના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી પર કર્યો છે. આફ્રિદીએ ઇમરાન ખાનના સમર્થનમાં પીઓકે જવાની વાત કહી હતી જેને લઇને ગૌતમ ગંભીર ગુસ્સે ભરાયો હતો.

શાહિદ આફ્રિદીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કહ્યું હતું કે, હું કાશ્મીરના લોકોની સાથે ઉભો છું, અને આ વાતને રજૂ કરવા હું પીઓકેનો પ્રવાસ કરીશ.

આફ્રિદીએ ટ્વિટ કરીને લખ્યું, આ શુક્રવારે મજાર-એ-કાઇદ નજીક બપોરે 12 વાગે ઉભો રહીશ. આ ઉપરાંત 6 સપ્ટેમ્બરે એક શહીદના ઘરે પણ જઈશ. એટલું જ નહીં ટૂંક સમયમાં લાઇન ઓફ કંટ્રોલની પણ મુલાકાત લઇશ.




આફ્રિદીના આ નિવેદન પર હવે ગંભીરે એટેક કર્યો છે, કહ્યું કે, ''સાથીઓ, આ ફોટામાં શાહીદ આફ્રિદી, શાહિદ આફ્રિદીને પુછી રહ્યાં છે કે શાહિદ આફ્રિદીને, શાહિદ આફ્રિદીને શરમમાં નાંખવા માટે શું કરવુ જોઇએ, જેથી એમાં કોઇ શક ના રહે કે શાહિદ આફ્રિદીએ મોટો થવાનો ઇનકાર કરી દીધો છે, હું તેની મદદ માટે ઓનલાઇન કિન્ડરગાર્ડન ઓર્ડર કરી રહ્યો છું."


શાહિદ આફ્રિદી આ પહેલા પણ જમ્મુ-કાશ્મીરના મુદ્દે આવા નિવેદન આપી ચુક્યો છે, જેના પર ઘણો વિવાદ થયો હતો. માત્ર આફ્રિદી જ નહીં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદ, બોક્સર આમિર ખાન પણ ઈમરાન ખાનના સમર્થનમાં આવ્યા હતા અને લાઇન ઓફ કંટ્રોલ પણ જવાની વાત કરી હતી.



ગત વર્ષે નવેમ્બરમાં લંડનમાં આયોજિત એક ઈવેન્ટમાં શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે, પાકિસ્તાનને કાશ્મીર નથી જોઈતું, કારણકે તેના ખુદના ચાર પ્રાંત પણ સંભાળી શકતા નથી. તેણે એમ પણ કહ્યું હતું કે, કાશ્મીર એક સ્વતંત્ર પ્રાંત રહેવો જોઈએ.