નવી દિલ્હી: પાકિસ્તાનના હિંદુ ક્રિકેટર દાનિશ કનેરિયા લઈને પૂર્વ બોલર શોએબ અખ્તરે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેના બાદ ખૂદ કનેરિયાએ પણ પોતાનો પક્ષ મુક્યો છે. હવે આ મામલે ભારતના પૂર્વ ક્રિકેટર અને સાંસદ ગૌતમ ગંભીરે પણ પ્રતિક્રિયા આપી છે. ગૌતમ ગંભીરે કહ્યું, આ પાકિસ્તાનનો અસલી ચહેરો છે.


ગંભીરે કહ્યું, અમારી પાસે મોહમ્મદ અઝહરુદીન જેવા ક્રિકેટરો રહી ચુક્યા છે, જેમણે 80થી 90 ટેસ્ટમાં ભારતની કપ્તાની કરી હતી. આજે તેમની પાસે પ્રધાનમંત્રીના રૂપે એક ખેલાડી છે. તેમ છતાં ખેલાડીઓને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ પાકિસ્તાનની હકીકત દર્શાવે છે. કનેરિયાએ પાકિસ્તાન માટે 60 ટેસ્ટ રમી છે અને તેની સાથે આવું ગેરવર્તન શરમજનક છે.


શોએબ અખ્તરે પીટીવી સ્પોર્ટ્સના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, સાથી ક્રિકેટર દાનિશ કનેરિયાએ હિંદુ હોવાના કારણે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ભેદભાવ સહન કરવો પડ્યો હતો. તેણે દાવો કર્યો કે પાકિસ્તાનના કેટલાક ક્રિકેટરો તો દાનિશ સાથે ભોજન કરવાનું પણ પસંદ નહોતા કરતા. દાનિશ કનેરિયાએ પણ શોએબનું સમર્થન કરતા કહ્યું છે કે, મારી સાથે આવું વર્તન કરનારા લોકોના નામ ઝડપથી જાહેર કરીશ. શોએબ અખ્તર મહાન ક્રિકેટર છે. તેમનું વર્તન પણ તેમની બોલિંગ જેવું જ છે.

કનેરિયાએ કહ્યું હતું કે, મારું જીવન ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. મે પાકિસ્તાનમાં ઘણા લોકોને સંપર્ક કર્યો છે પણ મદદ મળી નથી. જ્યારે અન્ય ક્રિકેટરનોને મદદ મળી ચુકી છે. એક ક્રિકેટર તરીકે મે પાકિસ્તાન સાટે બધુજ કર્યું અને મને તેના પર ગર્વ છે, પરંતુ આ મુશ્કિલ સમયમાં મને આશા છે કે પાકિસ્તાન પાસેથી મદદ મળશે.