નવી દિલ્લી: મેદાનની બહાર પોતાના નિખાલસતા માટે જાણીતા અને રાષ્ટ્રીય ટીમથી બહાર ચાલી રહેલા અનુભવી બેટ્સમેન ગૌતમ ગંભીરનું માનવું છે કે ક્રિકેટ ખેલાડીઓના જીવન પર ફિલ્મો બનવી જોઈએ નહીં. ગંભીરનું આ નિવેદન વિવાદ ઉભો કરી શકે તેમ છે. જો કે, તેનું કહેવું છે કે, મારા જીવન ઉપર ચોક્કસ ફિલ્મ બનવી જોઈએ, જેમને દેશના કલ્યાણ માટે કેટલાંયે યોગદાન આપ્યા હોય.
ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક એવા મહેંદ્ર સિંહ ધોનીના જીવન પર બનેલી ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે અને ધોનીની ફિલ્મ રિલીઝ થવા પહેલા ગંભીરનું આ નિવેદન વિવાદ ઉભું કરી શકે છે. ધોની પર બનેલી ફિલ્મ ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’માં હિંદી ફિલ્મોના યુવા પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ધોનીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 30 સપ્ટેબરે રિલીઝ થવાની છે.
ગંભીરે રવિવારે ટ્વિટ કર્યું હતું કે, હું ક્રિકેટ ખેલાડીઓના જીવન પર બની રહેલી ફિલ્મના પક્ષમાં નથી. મારા મતે દેશના કલ્યાણ માટે જે લોકોએ યોગદાન આપ્યું છે તેમના જીવન પર ફિલ્મો બનવી જોઈએ. ગંભીરે પોતાની આગલી ટ્વિટમાં લખ્યું હતું કે દેશમાં એવા અનેક લોકો છે, જેમને દેશ માટે સારા કામ કર્યા છે. જેથી તેમના જીવન ઉપર ફિલ્મો બનવી જોઈએ.