ગંભીરની નિવૃત્તિ બાદ કોચે કર્યો ખુલાસો, કહ્યું- ‘ઓપનિંગ બેટ્સમેન નહીં લેગ સ્પિનર બનવા માંગતો હતો ગૌતમ’
2007ના T20 વિશ્વકપમાં ગંભીરે ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવ્યા હતા. ફાઇનલમાં પાકિસ્તાન સામે તેણે 54 બોલમાં 75 રનની ઇનિંગ રમી હતી. 2011ના વર્લ્ડકપની ફાઇનલમાં તેણે શ્રીલંકા સામે 97 રનની યાદગાર ઇનિંગ રમી હતી. ગૌતમ ગંભીર અંતિમ T20 ડિસેમ્બર 2012માં પાકિસ્તાન સામે રમ્યો હતો. જ્યારે અંતિમ વન ડે મેચ 2013માં ઇંગ્લેન્ડ સામે અને છેલ્લી ટેસ્ટ નવેમ્બર 2016માં ઇંગ્લેન્ડ સામે રમ્યો હતો.
નવી દિલ્હીઃ ઘણા લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમથી બહાર થઈ ગયેલા ડાબોડી બેટ્સમેન ગૌતમ ગંભીરે મંગળવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. ગંભીરે ટીમ ઈન્ડિયાને 2007નો T20 અને 2011નો એમ બે વર્લ્ડકપ જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ગંભીની નિવૃત્તિ બાદ તેના કોચે અનેક બાબતો પરથી પડદો ઉઠાવ્યો હતો.
‘આઇસીસી પ્લેયર ઓફ ધ યર’નો ખિતાબ જીતનારા ગંભીરે ભારત તરફથી 58 ટેસ્ટ, 147 વન ડે અને 37 T20 મેચ રમી છે. તેણે 58 ટેસ્ટમાં 9 સદીની મદદથી 4151 રન બનાવ્યા છે. જેમાં સર્વોચ્ચ સ્કોર 206 રન છે. 147 વન ડેમાં 39.7ની સરેરાશથી 5238 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 150 રન અણનમ છે. વન ડેમાં તેણે 11 સદી અને 34 અડધી સદી મારી છે. 37 T20માં તેણે 119ના સ્ટ્રાઇક રેટ સાથે 932 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન છે.
તેમણે એમ પણ કહ્યું કે, જો ગંભીર રાજનીતિમાં આવશે તો દેશમાટે ઘણું કરી શકે છે. તે ઈમાનદાર છે. તેની અંદર સેવાભાવનો ભંડાર છે. ગંભીર પાસે જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિ જાય તે નિરાશ થઈને આવતો નથી.
કોચના જણાવ્યા મુજબ, ઓપનરની અંદર એક અલગ પ્રકારની આગ હોવી જોઈએ. એક યોદ્ધાના ગુણ હોવા જોઈએ. ગંભીરમાં આ તમામ વસ્તુ હતી. ભારદ્વાજના કહેવા મુજબ ગંભીર એક સારો કોચ પણ બની શકે છે. કારણકે તે હંમેશા નવું શીખવા આતુર હોય છે. આ કારણે વિશ્વભરના અનેક એક્સપર્ટ્સ પાસેથી તેણે ઘણું શીખ્યું છે.
ગંભીરના કોચ સંજય ભારદ્વાજે કહ્યું કે, લોકોએ તેને મેદાન પર ગુસ્સો કરતો અનેક વખત જોયો છે પરંતુ સકારાત્મક રીતે જોવામાં આવે તો તેના આ અંદાજના કારણે જ તે અહીં સુધી પહોંચી શક્યો હતો. તેમણે એક રસપ્રદ કિસ્સો યાદ કરતાં જણાવ્યું કે, ગૌતમ મારી પાસે એક લેગ સ્પિનર બનવા આવ્યો હતો, જ્યારે અમિત મિશ્રા ઓપનિંગ બેટ્સમેન બનવા માંગતો હતો. મેં બંનેના સ્વભાવ જોઈને તેમના રોલ બદલી દીધા. ગૌતમને ઓપનર બનાવી દીધો અને મિશ્રાને લેગ સ્પિનર બનવા પ્રેરિત કર્યો.