નવી દિલ્હીઃ સ્ટાર ઓફ સ્પિનર બોલર હરભજન સિંહ લાંબા સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહ્યા છે. જોકે તેણે આઈપીએલમાં એમએસ ધોનીની ટીમ ચેન્નઈ સુપરિંગ માટે રમતા વિતેલી સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભજ્જીએ શુકર્વારે સ્પષ્ટતા કરી કે તે આઈપીએલની આગામી સીઝનમાં સીએસકે માટે જ રમશે અને તેણે બ્રિટેનમાં રમાનારી ‘ધ હંડ્રેડ લીગ’માં ખેલાડીઓના ડ્રાફ્ટમાંથી પોતાનું નામ પરત લેવાનો નિર્ણય કર્યો છે.

હરભજનનું નામ ખેલાડીઓના ડ્રાફ્ટમાં હતું જેની બેસપ્રાઇઝ એક લાખ પાઉન્ડ હતી. બીસીસીઆઈ જો કે પોતાના સક્રિય ક્રિકેટર્સને નિવૃત્તીની સત્તાવાર જાહેરાત પહેલાં આવી લીગમાં રમવાની મંજૂરી આપતું નથી. તેને લઇ બીસીસીઆઈના નિયમ ખૂબ જ કડક છે. પોતાના નિર્ણયની જાહેરાત કરતાં હરભજને કહ્યું કે મારા માટે આઇપીએલ અને ચેન્નાઇ સુપર કિંગ્સ પ્રાથમિકતામાં છે. ચેન્નાઇની સાથે છેલ્લી બંને સીઝન સારી રહી અને અમે બંને વખત ફાઇનલમાં પહોંચ્યા. હવે નજર નેકસ્ટ સીઝન પર છે.

તેમણે કહ્યું કે હું બીસીસીઆઈના નિયમોનું સમ્માન કરું છું અને હું કયારેય કોઇ નિયમ તોડીશ નહીં. તેના માટે ડ્રાફ્ટમાંથી નામ પાછું લેવું પડે તો હું લઇશ. તેની સાથે જ ભજ્જીએ કહ્યું કે સો બોલનું ફોર્મેટ આકર્ષક છે, ભલે તે હાલ તેમાં રમી શકશે નહીં. હરભજને કહ્યું કે હું કોઇ નિયમ તોડવા માંગતો નથી પરંતુ આ ફોર્મેટ રોચક છે. જ્યારે પણ તેની મંજૂરી અપાશે તો હું તેનો ભાગ ચોક્કસ બનીશ.