હાર્દિક પંડ્યા અને નતાશાએ 1 જાન્યુઆરીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીર અને વીડિયો શેર કરતા પોતાની સગાઈની જાહેરાત કરી હતી.
હિમાંશુ પંડ્યાએ કહ્યું, “નતાશા સારી છોકરી છે. અને મુંબઈમાં ઘણીવાર તેને મળ્યા છીએ. અમને જાણ હતી કે હાર્દિક અને નતાશા દુબઈ વેકેશન માટે જઈ રહ્યા છે. પરંતુ બંને સગાઈ કરી લેશે એવો કોઈ અંદાજો નહોતો. સગાઈના સમાચાર સાંભળીને અમને આશ્ચર્ય થયું હતું. બંનેની સગાઈ થયા બાદ અમને આ વિશે જાણ થઈ હતી.”
હાર્દિકના પિતાએ જણાવ્યું કે, તેમણે હજુ લગ્નની તારીખ નક્કી કરી નથી. પરંતુ ટૂંક સમયમાં જ આ અંગે નિર્ણય કરશે. હાર્દિકના ભાઈ અને ક્રિકેટર કૃણાલ પંડ્યાએ પરિવારમાં નતાશાનું સ્વાગત કર્યું છે. કૃણાલે ટ્વિટર પર તસવીર શેર કરીને લખ્યું. “હાર્દિક અને નતાશા ખૂબ ખૂબ શુભેચ્છા. નતાશા અમારા ક્રેઝી પરિવારમાં તારા સામેલ થવાથી અમે ખુશ છીએ. ગાંડપણમાં તારું સ્વાગત છે!! તમને બંનેને અઢળક પ્રેમ.”
હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીરો અને વિડીયો શેર કરીને નતાશા સાથે સગાઈની વાત જાહેર કરી હતી. તેમણે પોતાની સગાઈ અંગેની જાહેરાત કરતી આ પોસ્ટમાં લખ્યું હતું કે, "મે તેરા, તું મેરી, જાને, સારા હિંદુસ્તાન" આ સાથે તેમણે યુગલ તથા સગાઈની વીંટીના ઇમોજી શૅર કર્યા હતા. આ પોસ્ટમાં હાર્દિક પંડ્યાએ નતાશા સાથેના 3 ફોટો અને એક નાનકડી ક્લિપ શૅર કરી હતી. જે પૈકી એક ફોટોમાં નતાશા તેમની ઍન્ગેજમૅન્ટ રિંગ બતાવતાં દેખાય છે.