નવી દિલ્હીઃ વર્લ્ડકપ બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પર જશે. વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટેની ટીમ ઇન્ડિયાની જાહેરાત 21 જૂલાઇના રોજ કરવામાં આવશે. આ પ્રવાસમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા કેપ્ટન અને વાઇસ કેપ્ટન તરીકે ટીમ સાથે હશે. જ્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પીઠમાં દર્દના કારણે આ પ્રવાસમાં જશે નહીં. આ સાથે ઝડપી બોલર જસપ્રીત બુમરાહને વન-ડેમાં આરામ આપવામાં આવશે જ્યારે ટેસ્ટમાં તેને સમાવેશ કરવામા આવશે.

ટીમ પસંદગી અગાઉ પસંદગીકર્તા તમામ ખેલાડીઓનો ફિટનેસ રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે. જોકે, એક ન્યૂઝપેપરના રિપોર્ટ અનુસાર, હાર્દિક પડ્યા વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પર જશે નહીં. પંડ્યાને વન-ડેમાં આરામ આપવામાં આવશે જ્યારે ઝડપી બોલર બુમરાહને વન-ડે અને ટી-20માં બ્રેક અપાશે અને ટેસ્ટ સીરિઝમાં તેને ટીમમા સામેલ કરાશે.

નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાનો  વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ 3 ઓગસ્ટથી શરૂ થઇ રહ્યો છે. જેમાં ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મેચ રમાશે. જ્યારે પ્રવાસની શરૂઆત ટી-20 સીરિઝથી થશે. ત્યારબાદ વન-ડે સીરિઝ આઠ ઓગસ્ટથી શરૂ થશે. 22 ઓગસ્ટથી પ્રથમ ટેસ્ટ શરૂ થશે જ્યારે બીજી ટેસ્ટ 30 ઓગસ્ટના રોજ રમાશે.