નોટિંગમ: આઈસીસી વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચમાં વરસાદ વિલન બન્યો હતો. જેના કારણે ચાહકો નિરાશ થયા હતા. જોકે મેચ પહેલા જ હાર્દિક પંડ્યાએ એક વીડિયો પોસ્ટ કરી ચાહકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. હાર્દિક પંડ્યાએ એક વીડિયો દ્વારા ભારતીય ડ્રેસિંગ રૂમની એક ઝલક બતાવી હતી. આ વીડિયોને બીસીસીઆઈએ શેર કર્યો હતો.

હાર્દિક પંડ્યાએ વીડિયોમાં બતાવ્યું કે, ડ્રેસિંગ રૂમમાં શું-શું છે? કોણ કયા ખેલાડી સાથે સ્પેસ શેર કરે છે અને સૌથી વધુ સ્પેસ કોણે લઈ લીધી છે.
વીડિયોની શરૂઆતમાં હાર્દિક પંડ્યાએ જણાવ્યું છે કે, આ ડ્રેસિંગ રૂમ ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમનો છે. અહીં ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ રમાવાની હતી. મેચ પહેલા અને મેચ પછી કયો ખેલાડી ક્યાં બેસે છે આ વીડિયોમાં જોઈ શકાય છે.


હાર્દિક પંડ્યાએ જણાવ્યું છે કે, રવિન્દ્ર જાડેજાને કેપ્ટન વિરાટ કોહલીની બાજુમાં જ સામાન રાખવાની જગ્યા મળી છે. આખા ડ્રેસિંગ રૂમમાં સૌથી વધુ જગ્યા વિરાટ કોહલીની પાસે જ છે. તે ત્યાં પડેલા વિરાટના સામાનને પણ બતાવે છે. હાર્દિક પંડ્યા એ પણ કહે છે કે, જાડેજા હંમેશા કેપ્ટનની બાજુમાં જ જગ્યા લે છે.


હાર્દિક પંડ્યાને જસપ્રીત બુમરાહ અને મહેન્દ્ર સિંહ ધોનીની બાજુની જગ્યા મળી છે. હાર્દિક પંડ્યા બાદ ભારતના ફિઝિયો પેટરિક ફરહાત એન્કરિંગની જવાબદારી સંભાળે છે. તે મજાકના સૂરમાં કહે છે કે, ધોની એન્ડ કંપનીએ તેમનો રૂપ ‘હાઈજેક’ કરી લીધો છે. રૂમમાં ધોનીની સાથે જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા વગેરે બેઠેલા હતા તેવું હાર્દિક પંડ્યાએ વીડિયોમાં જણાવ્યું છે.