National Games: સુરત ખાતે નેશનલ ગેમ્સ ચાલી રહી છે. આ ઈવેન્ટમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લેવા આવ્યા છે. આ દરમિયાન ગુજરાત માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ટેબલ ટેનિસ મેન્સ સિંગલ્સમાં હરમીત દેસાઈની જીત થઈ છે. તમને જણાવી દઈએ હરમીત દેસાઈ સુરતમાં રહે છે. આમ હોમ ગ્રાઉન્ડમાં જ હરમીતે કમાલ કરી બતાવી છે. હરમીતે હરિયાણાના સૌમ્યજીત ઘોષને 4-0 થી હરાવ્યો છે. આમ મેન્સ સિંગલ્સમાં હરમીતે ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે.


નેશનલ ગેમ્સ અંતર્ગત રામાયેલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ પૂર્ણ થઈ છે. આ સમગ્ર ટુર્નામેન્ટમાં ગુજરાતને ફાળે 3 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ આવ્યા છે. મેન્સ સિંગલ્સ ફાઇનલમાં હરમીત દેસાઈએ ગોલ્ડ પર કબ્જો કર્યો જ્યારે મિક્સ ડબલ્સમાં પણ ગુજરાતે ગોલ્ડ મળ્યો છે. મેન્સ સિંગલ્સમાં માનુષ શાહને બ્રોન્ઝ મળ્યો હતો જ્યારે મેન્સ ડબલ્સમાં ગુજરાતને બ્રોન્ઝ મળ્યો હતો. આજે સમાપન સમારોહમાં રાજ્યના ગૃહ અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવી હાજરી આપશે. આ ઉપરાંત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે તમામ વિજેતાઓને મેડલ એનાયત કરાશે.


T20I નો સિક્સર કિંગ બન્યો રોહિત શર્મા


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચ નાગપુરમાં રમાઈ હતી. ભારતીય ટીમને મેચ જીતવા માટે 8 ઓવરમાં 91 રન બનાવવાના હતા, પરંતુ આ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત શર્મા ઈન્ટરનેશનલ ટી20 મેચમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. આ મેચ પહેલા રોહિત શર્મા અને ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ 172-172 છગ્ગા સાથે સંયુક્ત પ્રથમ નંબરે હતા, પરંતુ રોહિત શર્માએ નાગપુરમાં પ્રથમ સિક્સ ફટકારતા જ આ મોટો રેકોર્ડ બનાવી લીધો હતો.


રોહિત શર્માએ માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડી દીધો


આ રીતે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડીને સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માએ અત્યાર સુધી 138 ઈન્ટરનેશનલ ટી20 મેચમાં 176 સિક્સર ફટકારી છે. જોકે, ઇન્ટરનેશનલ T20 મેચમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેનોની યાદીમાં રોહિત શર્મા ટોપ પર છે. આ સાથે જ ન્યુઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ બીજા નંબર પર છે. માર્ટિન ગુપ્ટિલે 121 ઈન્ટરનેશનલ ટી20 મેચમાં 172 સિક્સ ફટકારી છે. જ્યારે ઈન્ટરનેશનલ ટી20 મેચમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેનોની યાદીમાં વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ ત્રીજા નંબર પર છે.


ક્રિસ ગેલ સૌથી વધુ સિક્સ મારનાર બેટ્સમેનમાં ત્રીજા ક્રમે છે