મુંબઈઃ આગામી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી 15 એપ્રિલના રોજ થવાની છે. કહેવાય છે કે, ટીમમાં 15 સંભવિત ખેલાડીઓમાંથી મોટાભાગના ખેલાડીઓનું સ્થાન નક્કી થઈ ગયું છે પરંતુ આ મોટી જાહેરાત પહેલા 2 મુખ્ય ખેલાડીઓના નામ અટવાઈ પડ્યા છે. ટીવી શો ‘કોફી વિથ કરણ’માં વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલના મામલે આજે સુનાવાણી થવાની છે.



બંને ખેલાડીઓને જસ્ટિસ (નિવૃત્ત) ડીકે જૈન તરફથી ફટકારવામાં આવેલી નોટિસ પ્રમાણે, પંડ્યાએ આજે મંગળવારે હાજર રહેવાનું છે જ્યારે રાહુલને આવતી કાલે બુધવારે. ગત ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલા બીસીસીઆઈએ લોકપાલ જૈન આ મામલે પદભાર સંભાળ્યા બાદ સુનાવણી હાથ ધરશે. વર્લ્ડકપ 30 મે થી શરૂ થઈ રહ્યો છે જેમાં ભારતીય ટીમ પહેલી મેચ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 5 જૂને રમશે.



જસ્ટિસ જૈને પહેલા જ જણાવ્યું હતું કે, બીસીસીઆઈએ આ મામલે અંતિમ નિર્ણય માટે કોઈ જ સમયમર્યાદા નક્કી કરી નહોતી. જોકે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને નેશનલ સિલેક્ટર્સ વર્લ્ડકપ-201ને ધ્યાનમં રાખીને કોઈ નિર્ણય લેશે. સાથે જસ્ટિસ જૈને એમ પણ કહ્યું હતું કે, ન્યાયનો સિદ્ધાંત છે કે તમારે દરેક પક્ષ સાંભળવાનો રહે છે.