ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 3 મેચની વનડે સીરિઝ રમાઈ રહી છે, પરંતુ આ મેચમાં સ્ટેડિયમમાં એક પણ દર્શક તમને જોવા નહીં મળે. જો તમારે મેચની મજા માણવી છે તો તમારે લાઈવ ટીવી પર અથવા તમારા સ્માર્ટફોનમાં જોઈ શકો છો. મેજબાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પ્રથમ વનડે મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે, પરંતુ સ્ટેડિયમમાં એક પણ દર્શક જોવા મળ્યા ન હતા.
આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં કોઈ બીમારીને કારણે ખાલી સ્ટેડિયમમાં મેચનું આયોજન કરવું પડ્યું હોય. જોકે મેચમાં દર્શકો ન હોવાને કારણે ખેલાડીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. સોશિયલ મીડિયા પર આ મેચનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ખેલાડી પોતે જ સ્ટેન્ડમાં જઈને બોલ લાવી રહ્યા છે.
મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. એરોન ફિન્ચે 19મી ઓવરમાં ઇશ સોઢીના બોલ પર સિક્સર ફટકારી હતી. આ બોલ ખાલી રહેલા સ્ટેન્ડમાં જતો રહ્યો હતો. સ્ટેન્ડમાં કોઈ દર્શક ન હોવાના કારણે ન્યૂઝીલેન્ડ ટીમનો ખેલાડી લોકી ફર્ગ્યુસન સ્ટેન્ડમાં બોલ લેવા ગયો હતો. આ પછી ટ્વિટર પર પ્રશંસકે આ વીડિયો શેર કરીને કહ્યું કે ખેલાડીઓેને હવે પ્રશંસકોનું મહત્વ સમજાતું હશે. કેટલાક પ્રશંસકોએ આ ઘટનાને ગલી ક્રિકેટની વાપસી ગણાવી હતી.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ કેવિન રોબર્ટ્સે ખાલી સ્ટેડિયમમાં મેચ આયોજીત કરવા પર કહ્યું હતું કે અમારો મત છે કે કોરોના વાયરસના જોખમને ઓછું કરવા માટે આ યોગ્ય નિર્ણય છે. જે દર્શકોએ મેચની ટિકિટ ખરીદી છે તેમને બધા પૈસા પરત કરવામાં આવશે. મીડિયાકર્મીઓને મેચ કવર કરવાની મંજૂરી આપવામાં આવી છે પણ તેમને પ્રેસ કોન્ફરન્સમાં ખેલાડીઓથી દૂર રહેવું પડશે.