નવી દિલ્હી: ભારતની સ્ટાર એથલિટ હિમા દાસે શનિવારે વધુ એક ગોલ્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે. હિમાએ ચેક રિપબ્લિકમાં મહિલાની 400 મીટરની દોડમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ગોલ્ડ સાથે 19 વર્ષીય હિમાએ એક મહિનામાં સતત પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો છે.

હિમાએ પોતાના ટ્વિટર પર આ જાણકારી આપતા લખ્યું કે આજે (શનિવારે) ચેક રિપબ્લિકમાં 400 મીટર સ્પર્ધામાં પ્રથમ સ્થાન પર રહેતા દોડ પુરી કરી. હિમાએ 52.09 સેકન્ડમાં આ દોડ પૂરી કરી હતી.


આ પહેલા હિમાએ પ્રથમ ગોલ્ડ મેડલ 2 જુલાઈ પોજનાન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં 200 મીટર રેસમાં જીત્યો હતો. તેમણે 23.65 સેકન્ડમાં આ દોડ પુરી કરી હતી. બીજો ગોલ્ડ 7 જુલાઈએ પોલેન્ડમાં કુટનો એથલેટિક્સ મીટમાં 23.97 સેકન્ડમાં 200 મીટરની રેસ પુરી કરી જીત્યો હતો. જ્યારે ત્રીજો ગોલ્ડ મેડલ 13 જુલાઈએ ચેક રિપબ્લિકમાં થયેલી ક્લાંદો મેમોરિયલ એથલેટિક્સમાં 200 મીટરની રેસ 23.43 સેકન્ડમાં પુરી કરી હતી. ચોથો ગોલ્ડ 17 જુલાઈએ 200 મીટરની રેસમાં ટબોર એથલેટિક્સ મીટમાં જીત્યો હતો. તેમણે માત્ર 23.25 સેકન્ડમાં પોતાની દોડ પૂર્ણ કરી હતી.

બીજા સ્થાન પર પણ ભારતની વીકે વિસ્મયા રહી જે હિમાથી 53 સેકન્ડ પાછળ રહી હતી. વિસ્મયાએ 52.48 સેકન્ડમાં દોડ પૂર્ણ કરી. જ્યારે સરિતા ગાયકવાડ ત્રીજા (53.28 સેકન્ડ)નંબરે રહી હતી.

પુરુષોની 200 મીટર સ્પર્ધામં મોહમ્મદ અનસે 20.95 સેકન્ડમાં બીજું સ્થાન હાંસલ કર્યું હતું. જ્યારે પુરુષોની 400 મીટરમાં ભારતના જ નોહ નિર્મલ ટોમે પણ 46.05 સેકન્ડ સાથે દોડ પૂરી કરી સિલ્વર જીત્યો. એપ પી જાબિરે 400 મીટરમાં ગોલ્ડ જીત્યો હતો.