નવી દિલ્હીઃ એવું પ્રથમ વખત નથી થયું જ્યારે કોઈ ક્રિકેટરનું મેદાન પર હૃદય રોગના હુમલાથી મોત થયું હોય પરંતુ હૈદ્રાબાદમાં એક ક્રિકેટર સાથે જે થયું તે ખરેખર ચોંકાવનારું છે. મીડિયા અહેવાલ અનુસાર રવિવારે એક વન ડે લીગ મેચ દરમિયાન 41 વર્ષના બેટ્સમેન વીરેન્દ્ર નાઇકનું મોત થયું છે.

વીરેન્દ્ર નાઇક હૈદરાબાદમાં મારડપલ્લી સ્પોર્ટિંગ ક્લબનો ખેલાડી હતા અને તેઓએ રવિવારે શાનદાર અડધી સદી પણ ફટકારી હતી પરંતુ આઉટ થયા બાદ તેઓ પેવેલિયન પરત ફર્યા અને ત્યાં તેમનું મોત થઈ ગયું.

અંગ્રેજી અખબાર ડેક્કન ક્રૉનિકલના અહેવાલ મુજબ, વીરેન્દ્ર નાઇકના મોતનું કારણ હાર્ટ અટેક છે. વીરેન્દ્રના ભાઈ અવિનાશે પોલીસને જણાવ્યું કે, વીરેન્દ્ર બ્લડપ્રેશરની દવાઓ લઈ રહ્યો હતો. વીરેન્દ્ર નાઇકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વીરેન્દ્ર નાઇક મહારાષ્ટ્રના સાવંતવાડીના રહેવાસી હતા, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રિપોર્ટ મુજબ, વીરેન્દ્ર નાઇકે રવિવારે રમાયેલી મેચમાં 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી. વીરેન્દ્ર નાઇક વિકેટ પાછળ કેચ આઉટ થયા હતા. અહેવાલો મુજબ, વીરેન્દ્ર નાઇક અમ્પાયરના આ નિર્ણયથી નાખુશ હતા. તેમને લાગી રહ્યું હતું કે, બોલ તેમના બેટના કિનારાને નથી અડ્યો. વીરેન્દ્ર જેવા પેવેલિયન પહોંચ્યા તેમનું માથું દીવાલ સાથે ટકરાયું અને તેઓ નીચે પડી ગયા. ત્યારબાદ તેમના સાથી ખેલાડી તમને કારમાં હૉસ્પિટલ લઈ ગયા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. વીરેન્દ્રએ સિકંદરાબાદની યશોદા હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.