નવી દિલ્હીઃ શ્રીલંકાને 1996નો વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા પૂર્વ સ્ટાર ક્રિકેટર સનથ જયસૂર્યા પર બે વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેને ક્રિકેટના બધા ફોર્મેટમાંથી બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મંગળવારે આઈસીસીએ એન્ટી કરપ્શન કોડના ઉલ્લંઘન કરવા માટે આ પગલું લીધું છે.


સનથ જયસૂર્યા શ્રીલંકા ક્રિકેટનો પસંદગીકર્તા હતો તે દરમિયાન તેની ભૂમિકા પર અનેક સવાલ ઉઠ્યા હતા. જે અંગે આઈસીસીએ ફેંસલો સંભળાવતા તેના પર બે વર્ષ માટે ક્રિકેટના તમામ ફોર્મેટમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જયસૂર્યા આઇસીસીની કલમ 2.4.6 (તપાસમાં સહયોગ ન આપવો) અને 2.4.7 (તપાસમાં અડચણ ઊભી કરવી અને પૂરાવા સાથે છેડછાડ) અંતર્ગત દોષી જણાયો હતો.


આઈસીસીની સજાનો સનથ જયસૂર્યાએ સ્વીકાર પણ કરી લીધો છે. આઈસીસીના જનરલ મેનેજર એલેક્સ માર્શલે કહ્યું કે, આ નિયમ અંતર્ગત મળેલી સજા દર્શાવે છે કે આઈસીસીની તપાસમાં સહયોગ કરવો કેટલા મહત્વપૂર્ણ છે. આ કોડ ક્રિકેટમાં ભ્રષ્ટાચાર દૂર કરવા તથા તેની તપાસમાં સહયોગ કરવા માટે મહત્વપૂર્ણ છે.

સનથ જયસૂર્યાએ 110 ટેસ્ટમાં 40.1ની સરેરાશથી 6973 રન બનાવ્યા છે. જેમાં 14 સદી અને 31 અડધી સદી પણ સામેલ છે. જ્યારે 445 વન ડેમાં 32.4ની સરેરાશથી 28 સદી અને 68 ફિફ્ટીની મદદથી 13,430 રન નોંધાવ્યા છે. 31 T20માં તેણે  129.2ના સ્ટ્રાઇક રેટથી 629 રન બનાવ્યા છે. જેમાં 4 અડધી સામેલ છે. ટેસ્ટમાં 98, વન ડેમાં 323 વિકેટ લઇ ચુક્યો છે.