નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે(ICC) સ્પષ્ટ કરી દીધું છે કે, ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમની પિચ રેટિંગ ગમે તે હોય ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ નહીં ગુમાવે. આ પહેલા અહેવાલ એવા હતા કે, જો આઈસીસી ચેન્નઇમાં રમાયેલી બીજી ટેસ્ટની પિચને નબળી રેટિંગ આપે છે તો ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના કેટલાક પોઇન્ટ કાપવામાં આવશે.


ન્યુઝીલેન્ડે પહેલાથી જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે, જ્યારે ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા તેની રેસમાં છે. ભારતે બીજી મેચમાં ઇંગ્લેન્ડને 317 રને પરાજય આપ્યો હતો અને આ જીતની સાથે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.

આઇસીસીએ બુધવારે સ્પષ્ટ કર્યું હતું કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના માર્ક ટેબલ પર પિચના રેટિંગમાં કોઈ ફરક પડશે નહીં. જો કે, આઇસીસીએ હજી સુધી એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પિચ અને આઉટફિલ્ડ રેટીંગ જાહેર કરી નથી.



ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નઇમાં રમાયેલી પ્રથમ બે ટેસ્ટમાં સ્પિનરોને ફાયદો પહોંચાડનારી પીચ બાદ એવી શંકા સેવાઈ રહી હતી કે આઇસીસી પિચને પ્રતિકૂળ રેટિંગ આપી શકે છે, જે ભારતના વર્લ્ડ ટેસ્ટ રેન્કિંગ પોઇન્ટને અસર કરી શકે છે. ભારતે બીજી મેચમાં ઈંગ્લેન્ડને હરાવી ચાર મેચની ટેસ્ટ શ્રેણીને 1-1થી બરાબરી કરી લીધી હતી.