નવી દિલ્હીઃ ઇગ્લેન્ડના ઐતિહાસિક મેદાન લોર્ડ્સમાં આજે ઇગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાશે. બંન્ને ટીમો એક પણ વખત વર્લ્ડકપ જીતી શકી નથી ત્યારે કોણ  ટીમ પ્રથમવાર વર્લ્ડકપ ઉઠાવશે તે જોવાનું રહેશે. ન્યૂઝીલેન્ડની ટીમ બીજી વખત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે જ્યારે યજમાન ઇગ્લેન્ડ ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે.  એવામાં એ જાણવું જરૂરી છે કે લોર્ડ્સના મેદાન પર બંન્નેમાંથી કઇ ટીમનો હાથ ઉપર છે. કઇ ટીમ વર્લ્ડકપ જીતી શકશે.

લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર બંન્ને ટીમના પ્રદર્શનની વાત કરવામાં આવે તો ઇગ્લેન્ડે અત્યાર સુધીમાં કુલ 54 મેચ રમી છે જેમાંથી 24 મેચમાં જીત મળી છે જ્યારે 27 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બે મેચ ડ્રો અને એક મેચમાં પરિણામ આવ્યું નહોતું. આ મેદાન પર ઇગ્લેન્ડના જીતનો ચાન્સ 47 ટકા છે.

બીજી તરફ લોર્ડ્સના મેદાન પર ન્યૂઝીલેન્ડના પ્રદર્શનની વાત કરવામાં આવે તો ન્યૂઝીલેન્ડ આ મેદાન પર પાંચ મેચ રમી છે જેમાથી ત્રણમાં જીત મળી છે અને એક મેચમાં હાર મળી હતી. જ્યારે એક મેચમાં પરિણામ આવ્યું નહોતું. એવામાં આ મેદાન પર ન્યૂઝીલેન્ડનો જીતની ટકાવારી 75 ટકા છે. આ રીતે જોઇએ તો ફાઇનલ મેચમાં કીવીની ટીમનું પલડુ ઇગ્લેન્ડ કરતા ભારે જોવા મળી રહ્યું છે.

આ અગાઉ લોર્ડ્સના મેદાન પર બંન્ને ટીમો ત્રણ વખત ટકરાઇ ચૂકી છે. 1994માં બંન્ને ટીમો વચ્ચે આ મેદાન પર મેચ વરસાદના કારણે રદ થઇ હતી. ત્યારબાદ વર્ષ 2008 અને 2013માં બંન્ને ટીમો ટકરાઇ હતી અને આ બંન્નેમાં ન્યૂઝીલેન્ડની ટીમ વિજેતા બની હતી. એવામાં ઇગ્લેન્ડ વિરુદ્ધ આ મેદાન પર ન્યૂઝીલેન્ડનો અવિજય રેકોર્ડ છે.