નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019માં રવીન્દ્ર જાડેજા મોટેભાગે બેંચ પર જ બેસેલ જોવા મળ્યા છે અને પરંતુ જેવી જ તેને તક મળી તેણે ખુદને સાબિત કરી બતાવ્યા છે. શ્રીલંકા વિરૂદ્ધ પ્રથમ મેચ રમ્યા બાદ જાડેજાને ટીમ ઇન્ડિયાએ સેમી ફાઈનલમાં પણ સ્થાન આપ્યું અને તેણે પોતાની બેટિંગ અને ફીલ્ડિંગથી પોતાનું મહત્ત્વ જ સાબિત નથી કર્યું પરંતુ એક મામલે નંબર વન પણ બની ગયા છે.



રવિન્દ્ર જાડેજા આ વર્લ્ડ કપમાં રન રોકવાના મામલે નંબર વન બની ગયો છે. મંગળવારે વરસાદના કારણે રોકાયેલી સેમિ ફાઇનલ મેચ જ્યારે બુધવારે શરૂ થઈ તો મેદાનમાં જાડેજા છવાઇ ગયો હતો. જાડેજાએ 48મી ઓવરમાં રોસ ટેલરને રન આઉટ કરીને ન્યૂઝીલેન્ડને ઝટકો આપ્યો હતો.



રન આઉટ કર્યા પછી જાડેજાએ શાનદાર કેચ કરીને પ્રશંસકોના દિલ જીતી લીધા હતા. ભુવનેશ્વરના બોલર પર ટોમ લથામે મિડવિકેટ પર શોટ રમ્યો હતો. જાડેજાએ બાઉન્ડ્રી લાઇનની નજીક જબરજસ્ત કેચ કર્યો હતો.



હાલમાં જાડેજા સૌથી સારો ફિલ્ડર ગણાય છે. તેણે વર્લ્ડ કપમાં ભલે બે જ મેચ રમી હોય પરંતુ તેણે આ બે મેચમાં કુલ 41 રન બચાવ્યા છે. જે આ વર્લ્ડકપમાં અન્ય કોઈપણ ફિલ્ડર કરતાં સારું પ્રદર્શન છે. જાડેજા પછી માર્ટિન ગુપ્ટિલે 9 મેચમાં 32 રન બચાવ્યા છે.