નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચ એલઈડી ગિલ્લી (LED BELLS)થી ખુશ નથી. આ બેલ્સને કારણે બોલ લાગવા પર લાઈટ થાય છે અને ટીવી અમ્પાયરનું કામ સરળ થઈ જાય છે. પરંતુ કેટલાક કિસ્સામાં બોલરોને નુકસાન થાય છે.



વર્લ્ડ કપમાં અત્યાર સુધી 14 મેચોમાં કુલ પાંચ વખત એવું બન્યું છે જ્યારે સ્ટમ્પ પર બોલ લાગવા છતાં ગિલ્લીઓ પડી ન હતી. તેની પાછળ બેલ્સ વજનદાર હોવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. નવા ઝિંગ બેલ્સમાં ફ્લેશિંગ લાઈટ્સ છે, તેના તાર પણ તેની અંદર જ છે. મનાઈ રહ્યું છે કે, તેના કારણે બેલ્સનું વજન વધી ગયું છે. જો કે, આઈસીસીએ આ વાતોને તર્કહીન ગણાવી છે અને કહ્યું કે, બેલ્સ પહેલાની જેમ જ હલકી છે, અને વર્લ્ડ કપના વચ્ચેથી હવે તેને બદલવાનો વિચાર નહીં કરવામાં આવે.



ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચમાં પણ બેલ્સ નીચે પડ્યા ન હતા. તે બોલ જસપ્રિત બુમરાહે ડેવિડ વોર્નરને નાખ્યો હતો. વિરાટે મેચ બાદ તેના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તો ફિન્ચે પણ વિરોધ નોંધાવ્યો હતો. તેણે કહ્યું કે, આઈસીસીને આ અંગે સેમીફાઈનલ મેચ શરૂ થતાં પહેલાં વિચાર કરવો જોઈએ, જેથી તેના કારણે પરિણામ પર કોઈ અસર ન થાય. તેણે કહ્યું કે, મને ખબર છે કે ડેવિટ આઉટ હતો. બોલ પણ ખૂબ જ સ્પીડથી સ્ટમ્પ પર લાગ્યો હતો.

કોહલીએ આ મામલે કહ્યું હતું કે, મને લાગે છે કે, કોઈપણ ટીમ નહીં ઈચ્છે કે, બોલર કોઈ સારો બોલ નાખે અને તેમ છતાં બેટ્સમેન આઉટ ન થાય. બોલ સ્ટમ્પ પર લાગ્યો છતાં લાઈટ ન થઈ, ક્યારેક લાઈટ થાય છે તો ગિલ્લીઓ નીચે નથી પડતી.