48મી ઑવરમાં મોહમ્મદ આમિર બૉલિંગમાં આવ્યા ત્યારે તેણે ચોથો બોલ બાઉન્સર ફેંક્યો અને આ બોલ વિરાટ કોહલીનાં માથાની ઉપરથી નીકળી ગયો હતો. વિરાટે આ બૉલને હૂક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બેટ પર બૉલ આવ્યો નહીં. આમિરે આઉટની અપીલ કરી અને અમ્પાયરે પણ આઉટ આપ્યો અને વિરાટ કોહલી પેવેલિયન જતો રહ્યો.
વિરાટ પેવેલિયન જતા જ રીપ્લેમાં સ્પષ્ટ થઈ ગયું કે તે આઉટ નહોતો. અલ્ટ્રાએજમાં ક્યાંય પણ એવું ના જોવા મળ્યું કે બૉલ બેટને અડ્યો હોય, પરંતુ વિરાટ કોહલીને કદાચ આ વાતનો અનુભવ નહોતો થયો. જો કે ત્યારબાદ પેવેલિયનમાં બેઠેલો વિરાટ પોતાની ઉતાવળ પર નિરાશ જોવા મળ્યો. ઘણીવાર બેટ હવામાં ઝડપથી ફેરવવામાં આવે છે ત્યારે કેટલીકવાર અવાજ આવે છે. વિરાટ કોહલી સાથે પણ કદાચ આવું જ થયું. જો કે સત્ય એ છે કે કોહલી આઉટ થયા વગર જ પેવેલિયન જતો રહ્યો હતો.