ICC ટેસ્ટ રેન્કિંગમાં કોહલી સિવાય આ ભારતીય બેટ્સમેનો પણ રહી ચુક્યા છે નંબર 1, જાણો વિગત
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમ બર્મિંઘમ ટેસ્ટ ભલે 31 રને હારી ગઈ હોય પરંતુ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કરેલા શાનદાર પ્રદર્શનના કારણે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. આઈસીસીના તાજા ટેસ્ટ રેન્કિંગમાં કોહલી 934 રેટિંગ પોઈન્ટ સાથે વિશ્વનો નંબર એક બેટ્સમેન બની ગયો છે. આઈસીસીના નંબર 1 ટેસ્ટ બેટ્સમેન બનનારો કોહલી 7મો ભારતીય છે.
ભારતના વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે 2010માં સાઉથ આફ્રિકા સામે ફટકારેલી સદીના કારણે નંબર 1નું સ્થાન મેળવ્યું હતું. શ્રીલંકા સામેની શ્રેણીમાં પણ શાનદાર પ્રદર્શન કરવા બદલ તેણે કરિયરના સર્વાધિક 866 પોઈન્ટ મેળવી નંબર 1 બેટ્સમેન બન્યો હતો.
1979માં લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર 916 પોઈન્ટ મેળવીને નંબર વન બેટ્સમેન બન્યાં હતા. જે અત્યાર સુધી એક રેકોર્ડ હતો. આ રેકોર્ડને વિરાટ કોહલીએ તોડી નાંખ્યો છે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તેની કરિયર દરમિયાન 1157 દિવસ સુધી નંબર વન બેટ્સમેન રહ્યો હતો. 2011માં તેંડુલકર સાઉથ આફ્રિકાના જેક કાલિસ સાથે સંયુક્ત રીતે નંબર વન હતો. જે બાદ 2018માં કોહલી આ મુકામ પર પહોંચ્યો છે. સચિને 2002માં તેની કરિયરના સર્વાધિક 898 પોઈન્ટ મેળવ્યા હતા.
ધ વોલ તરીકે ઓળખાતો રાહુલ દ્રવિડ માર્ચ 2005માં 892 પોઈન્ટ મેળવી નંબર વન બેટ્સમેન બન્યો હતો. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં તે 35 ટેસ્ટ અને 226 દિવસ સુધી નંબર 1 બેટ્સમેન રહ્યો હતો.
ટીમ ઈન્ડિયાના ઓપનર ગૌતમ ગંભીરે 2009માં શ્રીલંકા સામેની શ્રેણીમાં કરેલા શાનદાર પ્રદર્શનના કારણે ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવ્યું હતું.
આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ કરનારા બીજા બેટ્સમેન દિલીપ વેંગસરકર છે. તેમણે 1988માં ન્યૂઝિલેન્ડ સામેની શ્રેણી દરમિયાન 837 પોઈન્ટ મેળવ્યા હતા.