નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ફલોપ રહેલા ભારતીય બેટ્સમેનોને તેનું પરિણામ આઈસીસી ટેસ્ટે રેન્કિંગમાં ભોગવવું પડ્યું છે. ખુદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાસેથી ટેસ્ટનો નંબર વનનો તાજ છીનવાઈ ગયો છે. વિરાટ કોહલીઆઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બીજા નંબર પર આવી ગયો છે, જ્યારે ચેતેશ્વર પુજારાને પણ ટેસ્ટ રેન્કિંગમાં નુકસાન થયું છે.

પુજારાનું રેન્કિંગ પણ ગબડ્યું

બુધવારે જાહેર થયેલા આઈસીસી ટેસ્ટે રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ નંબર વન બેટ્સમેન થઈ ગયો છે. ખરાબ બેટિંગના કારણે ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારા 7માંથી 9માં નંબર પર આવી ગયો છે. જ્યારે મયંક અગ્રવાલ અને અજિંક્ય રહાણેએ તેમનો ક્રમ જાળવી રાખ્યો છે.


ટોપ-10માં ભારતના ચાર બેટ્સમેનો

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને પણ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. કેન વિલિયમસન આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં એક ક્રમ આગળ વધીને ચોથા થી ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માં વિરાટ કોહલી ઉપરાંત અજિંક્ય રહાણે 8માં ક્રમે, ચેતેશ્વર પુજારા 9માં ક્રમે અને મયંક અગ્રવાસ 10માં ક્રમે છે.


બોલર્સ પણ થયા બહાર

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન કરનારા ભારતીય ટીમના સ્ટાર બોલર્સ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી પણ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માંથી બહાર થઈ ગયા છે. જ્યારે ભારત સામે 9 વિકેટ ઝડપનારો ટીમ સાઉથી 15માં ક્રમેથી છઠ્ઠા નંબરે પહોંચી ગયો છે.