લેગ સ્પિનર રવિ બિશ્નોઈ હાલ આઈસીસી અંડર-19 વર્લ્ડ કપમાં ઘૂમ મચાવી રહ્યો છે. આ પહેલા તેને આ આઈપીએલ (IPL)માં બે કરોડ રુપિયામાં ખરીદવામાં આવ્યો હતો. જોકે તેના માટે બધુ આટલું આસાન ન હતું. જોધપુરમાં પોતાના પરિવાર સાથે રહેનાર રવિ બિશ્નોઈની ક્રિકેટ સફર રમવાથી નહીં પણ એકેડમી બનાવવાથી શરુ થઈ હતી. તેણે વર્લ્ડ કપમાં 3 મેચમાં 10 વિકેટ ઝડપી છે.
બાળપણમાં રવિ પોતાના મોટા ભાઈ સાથે દરરોજ ક્રિકેટ રમતો હતો પણ તે એ વાતનું પણ ધ્યાન રાખતો હતો કે પોતાના પિતા સ્કૂલથી પરત ફરતા પહેલા પાછો આવી જાય. રવિના પિતા સરકારી સ્કૂલમાં હેડમાસ્ટર હતા. રવિ જેવા બાળકો માટે જોધપુરમાં શાહરુખ પઠાણ અને પ્રદ્યોત સિંહ નામના બે મિત્રોએ એકેડમી ખોલવાનો નિર્ણય કર્યો હતો. તેમની પાસે આમ કરવા માટે વધારે પૈસા ન હતા. આમ છતા તેમણે કોઈ રીતે એકેડમી બનાવવાનો નિર્ણય કર્યો હતો.
રૂપિયા ઓછો હોવાને કારણે જાતે જ મજુરી કામ કરવાનું શરૂ કર્યું. રવિ પણ આ કામમાં જોડાયો હતો. મજુરીથી રૂપિયાની જે બચત થતી હતી તેમાંથી એક્સપર્ટ્સને બોલાવીને પિચ તૈયાર કરવામાં આવી હતી. રવિએ ઇએસપીએન ક્રિકઇન્ફોને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે છ મહિના મારા માટે ઘણા મુશ્કેલ હતા. હું ઘણી મહેનત કરતો હતો, એ પણ જાણતો ન હતો કે તે આનો ફાયદો મળશે કે નહીં. એકેડમી તૈયાર થઈ અને ત્યાંથી મારા ક્રિકેટની અસલી સફર શરુ થઈ હતી.
જોકે શરૂઆતમાં રવિ રાજસ્થાનની અંડર-16 અને અંડર -19 ટ્રાયલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે અંડર-19 માટે બીજી વખત ટ્રાયલ આપી હતી અને આ વખતે સફળ રહ્યો હતો. ગત વર્ષે સપ્ટેમ્બરમાં તેણે વીનુ માંકડ ટ્રોફીમાં રાજસ્થાન તરફથી ડેબ્યૂ કર્યું હતું અને પછી પાછા ફરીને જોયું નથી. આ પછી ભારતની અંડર-19 ટીમમાં સ્થાન મળ્યું અને વર્લ્ડ કપની ટીમનો ભાગ બન્યો.
વર્લ્ડ કપમાં ગ્રૂપ રાઉન્ડમાં જાપાન સામે 5 રનમાં 4 વિકેટ ઝડપી હતી અને મેન ઓફ ધ મેચ રહ્યો હતો. આઇપીએલની હરાજીમાં તેના ઉપર બે કરોડ રુપિયાની બોલી લગાવવામાં આવી હતી. શરુઆતમાં તેની ઉપર કોઈ બોલાવી લગાવી રહ્યું ન હતું પણ જેવી મુંબઈ ઇન્ડિયન્સે બોલી લગાવી કે તરત બાકી ટીમો આગળ આવી હતી. અંતમાં કિંગ્સ ઇલેવન પંજાબે બે કરોડ રુપિયામાં તેને પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો.