નવી દિલ્હીઃ અંડર-19 વર્લ્ડકપ ફાઇનલ બાદ મેદાન પર જ ભારતીય અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે લડાઇ થઇ હતી. બંન્ને ટીમના કેટલાક ખેલાડીઓ વચ્ચે ધક્કામુક્કી થઇ હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ ઘટનાને ગંભીરતાથી લેતા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) તપાસ બાદ પોતાનો નિર્ણય સંભળાવશે. ભારતીય અંડર-19 ટીમના મેનેજર અનિલ પટેલે કહ્યુ હતું કે, આઇસીસી આ ઘટનાનો વીડિયો જોયા બાદ પોતાનો નિર્ણય આપશે.


ડકવર્થ લૂઇસના નિયમ અનુસાર બાંગ્લાદેશ ફાઇનલ મેચમાં ભારતને ત્રણ વિકેટથી હરાવીને પ્રથમવાર કોઇ આઇસીસી વર્લ્ડકપ જીત્યો હતો. મેચ બાદ બંન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે લડાઇ થઇ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સાથે કેટલાક લોકોએ બાંગ્લાદેશના ખેલાડીઓની ટીકા પણ કરી હતી.

અનિલ પટેલે કહ્યું કે, મેચ બાદ મે અધિકારીઓ અને મેચ રેફરી સાથે બાંગ્લાદેશના ખેલાડીઓના વ્યવહાર અંગે વાત કરી હતી. હવે આઇસીસી વીડિયો જોઇને પોતાનો નિર્ણય આપશે. બાંગ્લાદેશ અંડર-19 ટીમે ટોસ જીતીને ટીમ ઇન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમ 47.2 ઓવરમાં 177 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં વરસાદના કારણે બાંગ્લાદેશની ટીમને 46 ઓવરમાં 170 રનનો ટાર્ગેટ મળ્યો હતો.  બાંગ્લાદેશની ટીમે 42.1 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 170 રન બનાવી મેચ જીતી લીધી હતી.