નવી દિલ્હીઃ અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહનું માનવું છે કે, ભારતે પુલવામાં આતંકી હુમલાને ધ્યાનમાં રાખતા આગામી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન રમવું જોઈએ. હરભજને કહ્યું કે, ભારત જો 16 જૂનના રોજ માનચેસ્ટરમાં પાકિસ્તાન વિરૂદ્ધ રમાનાર મેચ ગુમાવી પણ દે તો પણ એટલું મજબૂત ટીમ છે કે વર્લ્ડ કપ જીતી શકે છે.
તેમણે એક ચેનલને જણાવ્યું કે, ભારતને વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ ન રમવું જોઈએ. ભારતીય ટીમ એટલી મજબૂત છે કે પાકિસ્તાન વિરૂદ્ધ રમ્યા વગર પણ વર્લ્ડ કપ જીતી શકે છે. આ મુશ્કેલ સમય છે, આ અવિશ્વસનીય ચે અને ખોટું થયું છે. સરકાર જરૂરી કડક કાર્યવાહી કરશે. જ્યાં સુધી ક્રિકેટની વાત છે તો મને નથી લાગતું કે આપણે તેમની સાથે કોઈપણ સંબંધ રાખવો જોઈએ, બાકી આમ જ ચાલતું રહેશે. હરભજને કહ્યું, આપણે દેશ સાથે ઉભા રહેવું જોઈએ. ક્રિકેટ હોય કે હોકી કે કોઈપણ રમતમાં આપણે પાકિસ્તાન સાથે ન રમવું જોઈએ.
જ્યારે પુલવામા આતંકી હુમલાના વિરોધમાં રાજસ્થાન ક્રિકેટ સંઘે જયપુરમાં પોતાની લોબીમાં લાગેલ પાકિસ્તાની ક્રિકેટરોની તસવીર હટાવી દીધી છે. આરસીએએ આ પગલું પુલવામાં ભારતીય જવાનો પર થયેલા હુમલાના વિરોધમાં લીધું છે જેમાં 40 જવાન શહીદ થઈ ગયા હતા.