નવી દિલ્હીઃ લંડનના ઓવલ ગ્રાઉન્ડમાં રવિવારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમવા મેદાનમાં ઉતરશે. આ મેચમાં હાલમાં જ લોકસભા ચૂંટણીમાં જીતીને સાંસદ બનેલ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કોમેન્ટ્રી કરતાં જોવા મળશે. ગૌતમ ગંભીરે ટ્વિટર પર તેની જાણકારી આપતા કહ્યું કે, તે થોડા દિવસ માટે મુંબઈ કોમેન્ટ્રી માટે જશે. ગંભીર વર્લ્ડ કપમાં સ્ટાર સ્પોર્ટ્સ ઇન્ડિયા પર કોમેન્ટ્રી કરતાં જોવા મળશે.




ગૌતમ ગંભીરે જણાવ્યું કે, મેં મારા સંસદીય ક્ષેત્રને દિલ્હીમાં બેસ્ટ બનાવવાનું કમિટમેન્ટ કર્યું છે, જે હું પૂરું કરીશ, જેમાં કોઇ ફેરફાર નહીં આવે. આ પહેલાં ગંભીર આઈપીએલની શરૂઆતની મેચમાં કોમેન્ટ્રી કરતા જોવા મળ્યા હતા, પરંતુ ચૂંટણીની તૈયરીઓ શરૂ થતાં જ કોમેન્ટ્રીથી દૂર થઈ ગયા હતા. આઈપીએલ બાદ હવે ગંભીર વર્લ્ડકપમાં કોમેન્ટ્રી કરતા જોવા મળશે.


ઉલ્લેખનિય છે કે, આઈસીસી વર્લ્ડકપ 2019માં કોમેન્ટ્રી બાબતે એક અનોખી બાબત જ જાણવા મળી હતી. બુધવારે ભારત-દક્ષિણ આફ્રિકાની મેચની કોમેન્ટ્રી એક હોટલના રૂમમાંથી થઈ રહી હતીં. સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં થયેલ મેચમાં કેમન્ટેટર નિયમિત પ્રેસ બોક્સની જગ્યાએ આયોજન સ્થળ પર હિલ્ટન હોટલના એક રૂમમાંથી કોમેન્ટ્રી કરી રહ્યા હતા. જેનો વિડીયો દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી શૉન પોલૉકે ટ્વિટ કર્યો હતો.