નવી દિલ્હીઃ જો તમે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહક છો તો તમારા માટે સારા સમાચાર છે. એસબીઆઈએ 1 જુલાઈથી નિયમમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ ફેરફારની સીધી અસર એસબીઆઈના 42 કરોડ ગ્રાહકો પર પડશે.

એસબીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે, 1 જુલાઈથી રેપો રેટ સાથે જોડાયેલ હોમ લોન ઓફર કરવામાં આવશે. એટલે કે આગામી મહિનાથી એસબીઆઈની હોન લોનના વ્યાજ દર રેપો રેટ આધારિત થઈ જશે.



જો તેને સરળ ભાષામાં કહેવું હોય તો આરબીઆઈ જ્યારે જ્યારે રેપો રેટમાં ફેરફાર કરશે તેની સીધી અસર એસબીઆઈના હોન લોનના વ્યાજ દરમાં પણ પડશે.

હાલમાં આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ફેરફાર કર્યા બાદ બેંક પોતાની રીતે હોન લોનના વ્યાજ દરમાં ફેરફાર કરે છે. એટલે કે આરબીઆઈ કોઈ વધારો ઘટાડો કરે તો એસબીઆઈ વધારો કે ઘટાડો કરે પણ અને ન પણ કરે. પરંતુ 1 જુલાઈથી રેપો રેટમાં ફેરફાર થશે એ જ ફેરફાર હોમ લોનના વ્યાજ દરમાં પણ થશે. હાલમાં આરબીઆઈએ સતત ત્રીજી વખત રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરીને 5.75 ટકા પર લાવી દીધો છે.