પોતાની સ્પષ્ટતામાં બાંગરે કહ્યું કે સેમી ફાઈનલમાં ધોનીના બેટિંગ ક્રમનો નિર્ણય કરનારા તેઓ એકલા માત્ર વ્યક્તિ નહોતા. સંજય બાંગરે ત્રણ અઠવાડિયા બાદ આ મામલે મૌન તોડ્યું છે. એક ન્યૂઝ વેબસાઈટને તેમણે કહ્યું, હું ખૂબ ખુશ છું કે લોકો આ દ્રષ્ટિકોણથી મારી તરફ જોઈ રહ્યા છે. પરંતુ આવું નથી કે મેં એકલાએ આ નિર્ણય લીધો હોય. મારા પર વિશ્વાસ કરો. અમે પરિસ્થિતિ વિશે વિશ્લેષણ કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.
બાંગર આગળ કહે છે, વર્લ્ડકપના અભિયાનની શરૂઆતમાં બેટ્સમેનોને ખાસ ભૂમિકા અપાઈ હતી. અમે નંબર 5,6 અને 7ને 30-40 ઓવર ધ્યાનમાં રાખીને ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. ખેલાડીઓ પણ આ યોજનાથી સારી રીતે જાણતા હતા.
વિરાટે સેમી ફાઈનલ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાન સામેની મેચ બાદ એવો નિર્ણય લેવાયો હતો કે ધોનીને થોડે નીચે રમવા માટે મોકલાય જેથી તે 35 ઓવર બાદ અંતિમ ઓવરોમાં રનગતિ વધારી શકે અને અન્ય બેટ્સમેનોને પોતાના અનુભવના આધારે પ્રદર્શન કરાવી શકે.