નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકર વર્લ્ડકપથી બહાર થઈ ગયા છે. પગમાં ઈજાને કારણે વિજય રવિવારે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્લેઇંગ ઈલેવનનો ભાગ ન હતા, સોમવારે જાહેર કરવામાં આવી કે તે વર્લ્ડકપની બાકીની મેચ નહીં રમે. વિજય શંકરની જગ્યાએ મયંક અગ્રાવલને ટીમ સાથે જોડાઈ શકે છે.


મયંક અગ્રવાલે નવેમ્બર 2017માં ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રેવડી સદી પણ ફટકારી હતી. આઈપીએલમાં મયંક દિલ્હી ડેવિલ્સ, રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલરો તરફથી પણ રમી ચૂક્યો છે. મયંક અગ્રવાલના નામે 75 મેચોમાં 3605 રન છે. આ મેચોમાં તેની સરેરાશ 48.71 રહી છે. મયંકનો સ્ટ્રાઇક રેટ લગભગ 100.72 છે.



હાલમાં ભારત માટે વર્લ્ડકપમાં નંબર 4 વધારે ચિંતાનો વિષય રહ્યો છે. કારણ કે આ નંબર પર કોઈપણ ખેલાડી જોઈએ એવું પ્રદર્શન આપી શક્યો નથી. ત્યારે નિષ્ણાંતોનું માનવું છે કે, મયંક અગ્રવાલ ઓપનર બેટ્સમેન છે, એવામાં તેને ઓપનિંગ માટે મોકલીને કેએલ રાહુલને નંબર ચાર પર બેટિંગ માટે મોકલી શકાય છે.

27 વર્ષીય મયંક અગ્રવાલ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમમાં રમી ચૂક્યો છે. મયંક અનેકવાર વેસ્ટ ઈન્ડિઝના સ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલની સાથે ઓપનિંગ કરી ચૂક્યો છે.



મયંક અગ્રવાલે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી વધુ રન કરીને પહેલા ભારતીયનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. મયંકે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ અને 76 રન બનાવ્યા હતા.