નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના પૂર્વ ઓફ સ્પિનર ગ્રીમ સ્વાને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આધુનિક યુગના ભગવાન ગણાવ્યા છે. તેણે પાકિસ્તાન વિરૂદ્ધ વિરાટ કોહલીની ઈમાનદારીને જોતા કોહલીને યાધુનિક યુગના જીસસ ગણાવ્યા છે. તેણે આ વાત એક કાર્યક્રમ દરમિયાન કહી હતી.


સ્વાને કહ્યું કે, જ્યારે તમારા બેટનો બોલને સ્પર્શ થાય ત્યારે તમને ખબર હોય છે. તેવી સ્થિતિમાં પોતાને આઉટ નહીં માનનાર લોકોથી મને નફરત છે. સાથે જ, તેણે કહ્યું કે, પાકિસ્તાનની સામે વિરાટ કોહલીનું બેટ બોલ સાથે ટચ થયું ન હતું. તેમ છતાં તે અમ્પાયરના નિર્ણયને જોયા વગર પેવેલિયન તરફ જતો રહ્યો હતો. આ તેની ખેલભાવનાને દર્શાવે છે. આ દરમિયાન તેણે કહ્યું કે, વિરાટ મારા માટે આધુનિક સમયનો જીસસ છે.



વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો. ઈનિંગની 47મી ઓવરમાં કોહલી પાકિસ્તાની બોલર મોહમ્મદ આમિરના બાઉન્સર પર વિકેટકીપરના હાથે કેચ થઈ ગયો હતો. કોહલીએ પેવેલિયન જવા માટે એમ્પાયરના નિર્ણયની પણ રાહ જોઈ ન હતી. પણ જ્યારે તેનો રિપ્લે આવ્યો તો ખબર પડી કે, બોલ અને બેટનો સ્પર્શ થયો ન હતો.