નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપમાં સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલ ભારતીય ટીમના ફેન્સને મોટો ઝાટકો લાગ્યો હતો. વર્લ્ડકપમાં ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે સેમીફાઈનલ મેચ રમાયો હતો. જેમાં ભારતની 18 રને કારમી હાર થઈ હતી. આ મેચમાં ધોનીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેના રનઆઉટ થયા બાદ ભારતની આશા ખત્મ થી ગઈ. આ મેચ બાદ ધોનીની નિવૃત્તીની ચર્ચાએ જોર પકડ્યું છે.



જો કે, મહેન્દ્રસિંહ ધોની અને બીસીસીઆઈ આ મામલે હજુ સુધી કાંઈ કહ્યું નથી. તેમ છતાં ધોનીની નિવૃત્તીની ચર્ચાનું બજાર ગરમ છે. પણ એટલું તો સ્પષ્ટ છે કે, 2023ના વર્લ્ડકપમાં ધોની ટીમ ઇન્ડિયાનો હિસ્સો નહીં હોય. ત્યારે હવે સવાલ એ છે કે, ધોનીની નિવૃત્તી બાદ તેનો ઉત્તરાધિકારી કોણ હશે. આવી પરિસ્થિતિમાં ત્રણ ખેલાડીઓનાં નામ સામે આવે છે, કે જે ધોનીની જગ્યા લઈ શકે છે.



ઈશાન કિશનઃ ઝારખંડથી ધોનીના ટીમમેટ ઈશાન કિશન તેનું આદર્શન રિપ્લેસમેન્ટ હોઈ શકે છે. 20 આઈપીએલમાં ઈશાન 2019માં વિનર મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં સામેલ હતો. તે ધોનીની જેમ આક્રમક ક્રિકેટ રમે છે, અને કોઈપણ નંબરે બેટિંગ કરી શકે છે. એટલું જ નહીં, પણ આઈપીએલમાં તેણે વિકેટકીપિંગમાં પણ પોતાને સાબિત કર્યો છે.



રિષભ પંતઃ ધોનીના રિપ્લેસમેન્ટ માટે પંત સૌથી ફેવરિટ ખેલાડી માનવામાં આવી રહ્યો છે. ડાબા હાથના બેટસમેન પંતે આઈપીએલમાં પોતાને સાબિત કરી ચૂક્યો છે. જો કે તેની વિકેટકીપિંગને નબળી ગણવામાં આવે છે, પણ હાલ તે વિકેટકીપિંગને સુધારવા માટે મહેનત કરી રહ્યો છે.



સંજૂ સેમસનઃ વન-ડેમાં સંજૂ સેમસનની પસંદગી ન કરાતાં ફેન્સ અને કેટલાય દિગ્ગજો માટે નિરાશાજનક રહી હતી. આઈપીએલમાં તેણે પોતાના ક્લાસ દેખાડ્યો હતો. 24 વર્ષના સંજૂ સેમસનની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સરેરાશ 36.81 છે. તે લાંબા સમય સુધી નંબર 4 પર રમતો આવ્યો છે. હવે જોવાનું રહેશે કે, સિલેક્ટર્સ સંજૂને ટીમ ઈન્ડિયામાં મોકો આપે છે કે કેમ.