ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદ ( Sheikh Rasheed)ને મોટો ઝટકો લાગ્યો છે. શેખ રાશિદ રવિવારે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ જોવા UAE પહોંચી ગયા હતા. ભારત અને પાકિસ્તા વચ્ચે ટી20 વર્લ્ડકપની મેચ પહેલા જ તેમને વડાપ્રધાન ઇમરાન ખાને પાછા બોલાવી લીધા છે. ખરેખરમાં વાત એમ છે કે , હાલમાં તહરીક-એ-લબ્લેક પાકિસ્તાન (ટીએલપી)ના સમર્થકોનુ પ્રદર્શન ચાલી રહ્યું છે. પોતાના પ્રમુખ હાફિઝ સાદ હુસૈન રિઝવીની ધરપકડને લઇને ટીએલપી સમર્થકો પ્રદર્શન કરી રહ્યાં છે.  એટલુ જ નહીં તેમને દેશમાં એક મોટા ઝુલૂસનુ આહવાન કર્યુ છે.  


રિપોર્ટ છે કે, પાકિસ્તાનના મંત્રી શેખ રાશિદ ક્રિકેટના બહુજ શોખીન છે, અને ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે હાઇ વૉલ્ટેજ મેચ રમાવવાની છે. આ મેચ જોવા માટે શેખ રાશિદ પહેલાથી UAE પહોંચી ગયા હતા. પરંતુ દેશમાં કથળતી કાયદો વ્યવસ્થા અને સ્થિતિ વધુ ખરાબ થતાં પીએમ ઇમરાન ખાને તેમને ફોન કરીને તાત્કાલિક દેશમાં પરત આવવા માટે કહ્યુ હતુ. આવામાં દેશની સુરક્ષા વ્યવસ્થા સંભાળવા માટે રાશિદ શનિવારે પાછા આવી ગયા છે. રાશિદ ક્રિકેટ મેચ જોવા માટે જ ઇમરાન ખાનની મંજૂરી લીધા બાદ યુએઇ ગયા હતા.ટીએલપીનુ  પ્રદર્શન શુક્રવારથી ચાલુ છે, જે હવે વધુ ઉગ્ર થવાની સંભાવના છે. લાહોરમાં પ્રથમ તબક્કાની વાતચીત થઇ હતી પરંતુ કોઇ પરિણામ આવ્યુ નથી. કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન TLP ના ઉગ્ર થવાની સંભાવનાને જોતા કેટલીય જગ્યાએ પેરામિલિટ્રી ફોર્સને પણ તૈનાત કરી દેવામાં આવી છે. 


પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામિક જૂથ તહરીક-એ-લબિક પાકિસ્તાન (TLP) પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યું છે કે, તે તેના વડા હાફિઝ સાદ હુસૈન રિઝવીની અટકાયત વિરુદ્ધ શુક્રવારે ઇસ્લામાબાદ તરફ એક મોટી કૂચ કરવા જઈ રહ્યું છે. TLPના સેંકડો કાર્યકરો હજુ પણ પંજાબ સરકાર પર તેના સ્વર્ગસ્થ સ્થાપક ખાદિમ રિઝવીના પુત્ર હાફિઝ સાદ હુસૈન રિઝવીને મુક્ત કરવા દબાણ કરવા લાહોરમાં ધરણા કરી રહ્યા છે.