આ રીતે પડી ઓસ્ટ્રેલિયાની વિકેટો
ઓસ્ટ્રેલિયાના ઓપનર ફિંચ અને ખ્વાજાએ 14.2 ઓવરમાં 83 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. ફિંચ 37 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. જે પછીની ઓવરમાં ખ્વાજા પણ 38 રન બનાવી કેદાર જાધવની ઓવરમાં કોહલીને કેચ આપી બેઠો હતો. શોન માર્શ 16 રન બનાવી જાડેજાની ઓવરમાં વિકેટકિપર ધોનીના હાથે કેચ આઉટ થતાં ભારતને ત્રીજી સફળતા મળી હતી. જે પછી મેક્સવેલને કુલદીપ યાદવે 4 રને બોલ્ડ કરીને ભારતને ચોથી સફળતા અપાવી હતી. હેન્ડ્સકોમ્બ 48 રન બનાવી રન આઉટ થયો હતો. કેરી 22 રન બનાવી કુલદીપનો શિકાર બનતાં ભારતને છઠ્ઠી સફળતા મળી હતી. 46મી ઓવરમાં બુમરાહેલ કુલટર નાઇલ અને પેટ કમીન્સને આઉટ કર્યા હતા. 50મી ઓવરમાં વિજય શંકરે પ્રથમ બોલ પર સ્ટોયનિસ અને ત્રીજા બોલ પર ઝમ્પાની વિકેટ લેતાં જ ભારતનો 8 રનથી રોમાંચક વિજય થયો હતો.
કોહલી બન્યો ટીમ ઈન્ડિયાનો તારણહાર
બીજી વન ડેમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયા 48.2 ઓવરમાં 250 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 116 રનની ઈનિંગ રમી હતી. વિજય શંકરે 46 રન બનાવ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રના સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 21 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી.
આ ઈનિંગ દરમિયાન વિરાટ કોહલીએ વન ડે કરિયરની 40મી સદી ફટકારવાના સાથે એક દિવસીય મેચમાં સૌથી ઝડપી 9000 રન બનાવવાનું સીમાચિહ્ન પણ હાંસલ કર્યું હતું.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, વિજય શંકર, અંબાતી રાયડૂ, એમએસ ધોની, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ