શાનદાર ફોર્મમાં ચાલી રહેલો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ડાબા અંગૂઠામાં ફ્રેક્ચરના કારણે બ્રિસબેનમાં 15 જાન્યુઆરીથી રમાનારી સીરિઝની અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.
જો કે, ભારત માટે સારા સમાચાર એ છે કે, રિષભ પંતની ઈજા ગંભીર નથી અને તે ત્રીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં બેટિંગ કરશે. આ બન્ને ખેલાડીઓને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરના શોર્ટ પિંચ બોલ પર ઈજા પહોંચી હતી. તેના બાદ બન્નેને સ્કેન માટે લઈ જવામાં આવ્યા હતા.
ભારતીય ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ જણાવ્યું કે, “રવિન્દ્ર જાડેજાના ડાબા હાથના અંગૂઠામાં ડિસ્લોકેશન અને ફ્રેક્ચર છે. તેના માટે બેટિંગ કરવું મુશ્કેલ રહેશે. ઓછામાં ઓછા બેથી ત્રણ અઠવાડિયા રમતથી દૂર રહેશે. તેથી તે અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. પંત બેટિંગ કરવા માટે સક્ષમ છે, કારણ કે તેની ઈજા વધારે ગંભીર નથી.”
ત્રીજી ટેસ્ટ મેચમાં જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પ્રથમ ઇનિંગમાં અણનમ 28 રન બનાવ્યા હતા. તેણે ઝડપથી રમતા 27 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે પ્રથમ ઇનિંગમાં બોલિંગ કરતાં જાડેજાએ સૌથી વધારે ચાર વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં 18 ઓવરમાં 62 રન આપીને ચાર વિકેટ લીધી હતી.