નવી દિલ્હીઃ ઈશાંત શર્મા માટે પિંક બોલ સેટ્ મેચની શરૂઆત શાનદાર રહી છે. આ મેચની પ્રથમ ઇનિંગમાં ઈશાંતની ઘાતક બોલિંગ જોવા મળી. તેની આ શાનદારની બોલિંગના જોરે ભારતીય ટીમે મેહમાન ટીમને રસ્તામાં જ રોકી દીધી એટલે કે 106 રનમાં ઓલ આઉટ કરી દીધી. ઈશાંત શર્માએ આ મેચની પ્રથમ ઇનિંગમાં કુલ પાંચ વિકેટ લીધી અને આ તેની ટેસ્ટ કારકિર્દીમાં દસમી તક હતી જ્યારે તેણે ટેસ્ટની કોઈ ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હોય. જોકે ઘરઆંગણે ઈશાંતે બીજી વખત ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી છે.


ઈશાંત શર્માએ 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટની એક ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી છે. તેણે બાંગ્લાદેશ સામે 22 રન આપીને પાંચ વિકેટ ઝડપી છે. છેલ્લે તેણે પાકિસ્તાન સામે 2007માં બેંગાલુરૂમાં રમાયેલી ટેસ્ટમાં 118 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ઘરઆંગણે ઈશાંતની આ 37મી ટેસ્ટ મેચ છે.

ઓછા રનમાં પાંચ વિકેટ ઝડપવાના મામલે ઈશાંત શર્મા ત્રીજા નંબર પર આવી ગયા છે. તેણે 22 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સાત રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે બીજા ક્રમે રહેલા જવાગલ શ્રીનાથે 1996માં અમદાવાદમાં રમાયેલી ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે 21 રનમાં છ વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશ સામેની ડે-નાઈટ ટેસ્ટમાં તમામ 10 વિકેટ ઝડપી બોલર્સે લીધી છે. ભારત માટે આ ચોથી ઘટના છે જ્યારે એક ઈનિંગ્સમાં તમામ વિકેટ ઝડપી બોલરે લીધો હોય. છેલ્લે 2017માં કોલકાતામાં જ રમાયેલી ટેસ્ટમાં ભારતીય ઝડપી બોલર્સે શ્રીલંકાની તમામ 10 વિકેટ ઝડપી હતી. જ્યારે 1983માં અમદાવાદ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે અને 1981માં મુંબઈમાં ઈંગ્લેન્ડ સામે પણ ઝડપી બોલર્સે આ સિદ્ધિ નોંધાવી હતી.