ઇન્દોર: ટીમ ઈંડિયાએ ત્રીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 321 રનથી હરાવીને સીરિઝને 3-0થી જીતી વ્હાઇટવોશ કર્યો હતો. ટીમ ઈંડિયા તરફથી આર.અશ્વિને તરખાટ મચાવતા મેચમાં 13 વિકેટ જ્યારે સીરિઝમાં 27 વિકેટ ઝડપી હતી.

ટીમ ઈંડિયાએ ત્રીજી ટેસ્ટમાં આપેલા 475 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 153 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આ પહેલા બીજી ઇનિંગમાં ટીમ ઈંડિયાના ચેતેશ્વર પૂજારાના 101* અને ગૌતમ ગંભીરના 50 રનની મદદથી 3 વિકેટે 216 રન બનાવી ઇનિંગ ડિકલેર કરી હતી. ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગ 299 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ટીમ ઈંડિયાએ પ્રથમ ઇનિંગમાં 5 વિકેટે 557 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો.