ઓકલેન્ડઃ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી બીજી વન ડેમાં ટીમ ઈન્ડિયાની 22 રનથી હાર થઈ હતી. મેચ જીતવા 274 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 48.3 ઓવરમાં 251 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સર્વાધિક 55 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરે 52, નવદીપ સૈનીએ 45 રન બનાવ્યા હતા. બીજી વન ડે જીતીને ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની સીરિઝમાં 2-0ની લીડ લઈ લીધી છે. પ્રથમ વન ડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 4 વિકેટથી હાર આપી હતી. હાર સાથે જ ભારતના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે.


આ શરમજનક રેકોર્ડ નોંધાયો ટીમ ઈન્ડિયાના નામે

ન્યૂઝીલેન્ડ સામે બીજી વન ડે હારવાની સાથે ભારતીય ટીમ સૌથી વધારે વન ડે હારનારી ટીમ બની ગઈ છે. ભારતની વન ડેમાં 423મી હાર હતી. સૌથી વન ડે હારનારી ટીમમાં બીજા નંબરે શ્રીલંકા છે. શ્રીલંકા અત્યાર સુધીમાં 421 વન ડે હારી ચુક્યુ છે.

સૌથી વધુ વન ડે હારનારી ટીમમાં ટોપ-3 એશિયન ટીમ

ત્રીજા નંબરે રહેલું પાકિસ્તાન 413 વન ડે હાર્યુ છે. 378 વન ડેમાં હાર સાથે વેસ્ટ ઈન્ડિઝ ચોથા અને 373 હાર સાથે ન્યૂઝીલેન્ડ પાંચમાં નંબર પર છે. સૌથી વધુ વન ડે હારનારી ટોપ-3 ટીમો અનુક્મે ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન છે.