Asian Games 2023: એશિયન ગેમ્સ 2023માં રવિવાર ભારત માટે શુકનવંતો રહ્યો છે. ભારતે અત્યાર સુધીમાં 5 મેડલ જીત્યા છે. ભારતીય પુરૂષ હોકી ટીમે ઉઝબેકિસ્તાન સામે 16-0ના વિશાળ અંતરથી મોટી જીત નોંધાવી છે. ભારત તરફથી મનપ્રીત, લલિત અને વરુણે હેટ્રિક ફટકારી હતી.
ભારતે ક્યારે ક્યારે કર્યા ગોલ
ભારતીય ટીમ તરફથી લલિત ઉપાધ્યાય (7મી, 24મી, 37મી અને 53મી મિનિટ), વરુણ કુમાર (12મી, 50મી અને 52મી મિનિટ), મનદીપ સિંહ (18મી, 27મી અને 28મી મિનિટ), અભિષેક (17મી મિનિટ), સુખજીત સિંહ (42મી મિનિટે) મિનિટે, અમિત રોહિદાસ (38મી મિનિટ) અને સંજય (57મી મિનિટ)એ ગોલ કર્યા હતા.
ભારતીય ટીમે એશિયન ગેમ્સ 2023ની શાનદાર શરૂઆત કરી અને શરૂઆતથી જ બોલ પર પોતાનો અંકુશ જાળવી રાખ્યો. મેચની 7મી મિનિટે લલિત કુમાર ઉપાધ્યાયે ભારત માટે પહેલો ગોલ કર્યો હતો. આ દરમિયાન ભારતે વધુ એક ગોલ કરીને 2-0ની લીડ મેળવી લીધી હતી. જ્યારે ભારતીય ખેલાડી વરુણે પોતાની ડ્રેગ-ફ્લિકને ગોલમાં ફેરવીને સ્કોર બમણો કર્યો હતો. પ્રથમ ક્વાર્ટર સુધીમાં, લલિત અને વરુણના ગોલને કારણે ભારતે 2-0ની સરસાઈ મેળવી લીધી. બીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ઉઝબેકિસ્તાન પર તેના હુમલા અને ડિફેન્સના કારણે દબાણ જાળવી રાખ્યું હતું.
બીજા ક્વાર્ટરમાં પણ કર્યા ધનાધન ગોલ
બીજા ક્વાર્ટર શરૂ થયાને માત્ર બે મિનિટ જ પસાર થઈ હતી ત્યારે અભિષેકે મનદીપની ડાબી બાજુને ગોલમાં ફેરવી 3-0ની લીડ મેળવી હતી. બીજી જ મિનિટમાં મનદીપ સિંહે ગોલ પોસ્ટમાં શાનદાર પાસ મોકલીને ટીમનો સ્કોર વધાર્યો હતો. મેચની 24મી મિનિટે લલિત કુમાર ઉપાધ્યાયે વધુ એક ગોલ કરીને ટીમનો સ્કોર 5-0 સુધી પહોંચાડ્યો હતો. આ રીતે ભારત અને ઉઝબેકિસ્તાનની મેચ એકતરફી બની ગઈ હતી.
મનદીપ સિંહે બે-ટુ-બેક ગોલ કરીને ભારતનો સ્કોર 7-0 કર્યો હતો. મનદીપ સિંહે ઉઝબેકિસ્તાન સામે 27મી અને 28મી મિનિટમાં ગોલ કર્યા હતા. ભારતે પ્રથમ હાફ સુધી 7-0ની લીડ જાળવી રાખી હતી અને ઉઝબેકિસ્તાનને ગોલ કરવાની કોઈ તક આપી ન હતી.
ભારતે બીજા હાફની શરૂઆત રોમાંચક રીતે કરી હતી, ભારતીય ખેલાડીઓએ બે-ટુ-બેક ગોલ કરીને ભારતનો સ્કોર 9-0 કર્યો હતો. ભારતીય પુરુષ હોકી ટીમે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો અને ઉઝબેકિસ્તાનના ખેલાડીઓને કોઈ તક આપી ન હતી. દરમિયાન, ભારત માટે અમિત રોહિદાસે 38મી મિનિટે ગોલ કર્યો હતો અને સુખજીત સિંહે 42મી મિનિટે ગોલ કરીને ટીમની સરસાઈ વધારી હતી. વરુણ કુમારે ગોલ કરવાના પ્રયત્નો ચાલુ રાખ્યા અને 50મી અને 52મી મિનિટે બે બેક ટુ બેક ગોલ કર્યા. દરમિયાન લલિત ઉપાધ્યાયે ચોથો ગોલ કર્યો હતો. આ સાથે જ ભારતીય ખેલાડી સંજયે 57મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ટીમનો છેલ્લો ગોલ કર્યો હતો. આ રીતે ભારતીય હોકી ટીમે એશિયન ગેમ્સ 2023માં ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી.
ભારતનો હવેનો મુકાબલો સિંગાપોર સાથે
ભારતીય પુરુષ હોકી ટીમ હવે તેની આગામી મેચ સિંગાપોર સામે રમશે, જે 26 સપ્ટેમ્બર, મંગળવારે રમાશે.