મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ હવે વેસ્ટઇન્ડીઝના પ્રવાસે જશે. આ પ્રવાસ માટે ટીમના ખેલાડીઓનાં નામની જાહેરાત થઈ ચૂકી છે. આ ખેલાડીઓમાં શુભમન ગિલની પસંદગી નથી થઈ. શુભમન ગિલે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝમાં સારું પ્રદર્શન કર્યું હતું છતાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

ઈન્ડિયા ‘A’ ની ટીમ હાલ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે અને 5 મેચોની બિન સત્તાવાર વન ડે સિરીઝ 21 જુલાઈએ સમાપ્ત થઈ. આ સિરીઝમાં રમનારા મનીષ પાંડે અને શ્રેયસ અય્યરની ટીમમાં વાપસી થઈ છે. જોકે આ સિરીઝમાં ગિલે સૌથી વધુ રન બનાવ્યા. તેણે 4 મેચોમાં 218 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદી સામેસ છે.

ભારતીય ટીમમાં સમાવાયેલા શ્રેયસ અય્યરે 187 અને મનીષ પાંડેએ 162 રન બનાવ્યા છે. આમ છતાં શુભમન ગિલને ટીમ ઇન્ડિયામાં ન સમાવાયો તે અંગે ચીફ સીલેક્ટર એમ.એસ.કે પ્રસાદે કહ્યું કે,‘ કે.એલ.રાહુલને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં નહોતો સમાવાયો ત્યારે શુભમન ગિલને તક આપવામાં આવી હતી પણ એ તક નહોતો ઝડપી શક્યો.

પ્રસાદે કહ્યું કે, શુભમન ગિલે તક માટે રાહ જોવી પડશે.’ શ્રેયસ અય્યર અને ગિલને નંબર 4 માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ગિલ ઓપનર બેટ્સમેન પણ છે જ્યારે હાલ ટીમ ઇન્ડિયાને નંબર 4 બેટ્સમેનની વધારે જરૂર છે અને અય્યર વધુ ફિટ બેસે છે તેથી અય્યરને તક આપવામાં આવી છે એવું મનાય છે.