Asian Para Games: એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે.  ભારતે 26 ઓક્ટોબર 2023ની સવારે હોંગઝોઉમાં ઈતિહાસ રચ્યો હતો. હોંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સમાં ચોથા દિવસે ભારતની મેડલ સંખ્યા 75 પર પહોંચી ગઈ છે. જેમાં 17 ગોલ્ડ, 21 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ સાથે ભારતે અગાઉની તમામ એશિયન પેરા ગેમ્સમાં જીતેલા મેડલની સંખ્યાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.






ભારતે અગાઉ 2018માં જાકાર્તા એશિયન પેરા ગેમ્સમાં સૌથી વધુ 72 મેડલ જીત્યા હતા. ગુરુવારે 26 ઓક્ટોબરના રોજ, શોટ પુટર સચિન ખિલારીએ દેશ માટે ગોલ્ડ જીત્યો હતો. 34 વર્ષીય સચિન ખિલારીએ 2018માં ચીનના વેઈ એનલોંગ દ્વારા ગોલ્ડ મેડલની મેચમાં 15.67 મીટરના ગેમ્સ રેકોર્ડને પણ તોડ્યો હતો. રસપ્રદ વાત એ છે કે સચિન પછી ચીનનો એથ્લેટ બીજા ક્રમે રહ્યો હતો. આ ઈવેન્ટમાં અન્ય એક ભારતીય એથ્લેટ રોહિત કુમાર ત્રીજા સ્થાને રહ્યો હતો. તેણે 14.56 મીટર થ્રો કર્યો હતો.                                     


ભારતીય શૂટર સિદ્ધાર્થ બાબુએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિદ્ધાર્થ બાબુએ R6 મિક્સ્ડ 50m રાઈફલ્સ પ્રોન SH-1માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 247.7નો સ્કોર કર્યો, જે એશિયન પેરા ગેમ્સનો નવો રેકોર્ડ પણ છે. સિદ્ધાર્થ બાબુએ આ સાથે ભારત માટે પેરિસ પેરાલિમ્પિક્સનો ક્વોટા મેળવ્યો હતો.          


પેરા પાવરલિફ્ટર અને ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાની રહેવાસી ઝૈનબ ખાતૂને 61 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો જ્યારે દિલ્હીની રાજકુમારીએ આ જ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ નોંધપાત્ર જીત એશિયન ગેમ્સમાં તેમના પ્રથમ દેખાવને ચિહ્નિત કરે છે અને આગામી પેરિસ ઓલિમ્પિક્સમાં આ ઉભરતા એથ્લેટ્સ માટે વધુ સારા ભવિષ્યનો સંકેત આપે છે.