નવી દિલ્હીઃ ભારતે પોતાના પાડોશી અને ક્રિકેટના મેદાન પર કટ્ટર હરીફ પાકિસ્તાન વિરૂદ્ધ વર્લ્ડકપ મેચમાં શાનદાર જીત મેળવી છે. ભારતે રવિવારે માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલ વર્લ્ડકપમાં પાકિસ્તાનને 89 રને હરાવીને સાતમી વખત જીત નોંધાવી છે.


ભારતની આ જીત પર સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. ટીમ ઇન્ડિયાને બધા લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. અમિત શાહે અભિનંદન આપતા કહ્યું, “પાકિસ્તાન પર ટીમ ઇન્ડિયા દ્વારા વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક અને પરિણામ પહેલા જેવું જ રહ્યું. સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન, તમારું પ્રદર્શન શાનદાર રહ્યું. ભારતનો દરેક નાગરિક આ જીત પર ગૌરવ અનુભવી રહ્યો છે.”


રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ભારતીય ટીમને શુભેચ્છા આપી હતી. તેમણે લખ્યું, “ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાન વિરૂદ્ધ મેચ જીતવા પર ટીમ ઇન્ડિયાને અભિનંદન. ભારતીય ટીમે આ જીત માટે ખૂબ જ શાનદાર રમત રમી. અમને બધાને ટીમ પર ગર્વ છે.”